હાલમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચોની T20 શ્રેણી વચ્ચે ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. અહેવાલો મુજબ, ટીમનો સ્ટાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે પૂરી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થયેલી ઈજામાંથી સાજા થઈને ચક્રવર્તીએ અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ દ્વારા ટીમમાં વાપસી કરી હતી, પરંતુ માત્ર એક જ મેચ રમ્યા બાદ તે ફરીથી ઈજાગ્રસ્ત થઈ જતાં શ્રેણીમાંથી બહાર થવું પડ્યું છે. વરુણ ફરીથી ઈજાગ્રસ્ત થતાં જ BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ પર સવાલો ઊભા થઈ રહ્યા છે, જ્યાં તેણે પોતાનું રિહેબ પૂર્ણ કર્યું હતું.

શાનદાર પ્રદર્શન બાદ વરુણ ચક્રવર્તી શ્રેણીમાંથી બહાર

અહેવાલ અનુસાર, ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાને કારણે અફઘાનિસ્તાન T20 શ્રેણીમાંથી બહાર ફેંકાઈ ગયો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ચક્રવર્તી ભારતીય પ્લેઇંગ 11નો ભાગ હતો, જ્યાં તેણે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. પરંતુ હવે ઈજાના કારણે તે શ્રેણીની બાકીની મેચો રમી શકશે નહીં. ચક્રવર્તીના ફરીથી ઈજાગ્રસ્ત થવાથી બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ની કામગીરી સામે વિવાદ ઊભો થયો છે.

https://twitter.com/PTI_News/status/2099489300455068036

માત્ર એક મેચમાં વાપસી અને ફરી ઈજા

ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થયેલી ઈજા બાદ ચક્રવર્તીએ CoEમાં ફિટનેસ મેળવવા માટે રિહેબ કર્યું હતું, પરંતુ માત્ર એક જ મેચ રમીને તે ફરી બહાર થઈ ગયો છે. ભારતીય ટીમમાં આ સમસ્યા વારંવાર સામે આવી રહી છે, જ્યાં ખેલાડીઓ ઈજામાંથી મુક્ત થઈને વાપસી કરે છે, પણ તરત જ ફરીથી ઈજાગ્રસ્ત થઈને CoE ભેગા થવું પડે છે.