અફઘાનિસ્તાન સામે શરૂ થનારી T20 સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન વિકેટકીપર-બેટર ઈશાન કિશનને ઈજા થઈ હતી. બેટિંગ દરમિયાન ઝડપી બોલર નવદીપ સૈનીની ઉછાળ લેતી બોલથી બચવાનો પ્રયાસ કરતી વખતે ઈશાનની પીઠમાં ખેંચાણ થયું હતું.દુખાવો થતાં ફિઝિયોએ તરત જ મેદાન પર આવીને ઈશાનની તપાસ કરી હતી. ઈશાન થોડા સમય માટે મેદાન પર જ બેઠો રહ્યો હતો અને ત્યારબાદ પીઠ પકડીને બહાર ગયો હતો. આ પછી તે ફરી બેટિંગ કરવા માટે મેદાન પર આવ્યો નહોતો.
ઈશાનની ઈજા કેટલી ગંભીર?
અફઘાનિસ્તાન સામેની સિરીઝ શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે,ત્યારે ઈશાનની ઈજા ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની છે.જોકે,તેની ઈજા કેટલી ગંભીર છે અને તે સિરીઝમાં રમી શકશે કે નહીં તે અંગે હાલ ચોક્કસ માહિતી સામે આવી નથી.મેડિકલ ટીમ ઈશાનની સ્થિતિ પર નજર રાખી રહી છે. આગામી 24 કલાકમાં તેની વધુ તપાસ થયા બાદ જ તેની ઉપલબ્ધતા અંગે સ્પષ્ટતા થઈ શકે છે.ઈશાન હાલમાં શાનદાર ફોર્મમાં છે.તાજેતરમાં દલીપ ટ્રોફીના ફાઇનલમાં તેણે ઈસ્ટ ઝોન માટે યાદગાર બેટિંગ કરી હતી. આ કારણે અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં પણ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી.
https://x.com/Vikas662005/status/2098425908759564667?s=20
દૂલીપ ટ્રોફીમાં ઈશાનનો ધમાકેદાર દેખાવ
દૂલીપ ટ્રોફીના ફાઇનલમાં ઈશાન કિશને ઈસ્ટ ઝોનની કેપ્ટનશિપ કરી હતી. તેની આગેવાનીમાં ઈસ્ટ ઝોને લાંબા સમય બાદ દલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.ફાઇનલમાં ઈશાને પ્રથમ ઇનિંગ્સમાં 270 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને 708 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી ઇનિંગ્સમાં પણ તેણે 80 રન બનાવ્યા હતા.તેના શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગ્સમાં મળેલી સરસાઈના આધારે સાઉથ ઝોનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.
13 સપ્ટેમ્બરથી ભારત-અફઘાનિસ્તાન T20 સિરીઝ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાવાની છે.આ સિરીઝની તમામ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે,બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.સિરીઝ પહેલાં ભારતને ઝડપી બોલર હર્ષિત રાણાની ઈજાથી પણ મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે હર્ષિત સિરીઝ ઉપરાંત એશિયન ગેમ્સમાંથી પણ બહાર થઈ ગયો છે.તેના સ્થાને યશ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.બીજી તરફ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને રમવા માટે તૈયાર છે. હવે સૌની નજર ઈશાન કિશનની ઈજા પર છે. આગામી તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે તે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે મેદાન પર ઉતરી શકશે કે નહીં.
આ પણ વાંચો - Razaullahએ ટેસ્ટ ડેબ્યૂમાં મચાવી ધૂમ, 9 ગગનચુંબી છગ્ગા સાથે વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી