ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 3 મેચોની T20 શ્રેણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે દ્વિપક્ષીય સીરિઝમાં એક યજમાન અને બીજી મહેમાન ટીમ હોય છે. જો કે, આ શ્રેણીનું સત્તાવાર યજમાન ભારત નહીં પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ છે. ભારતના 94 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ એવો પ્રસંગ છે જ્યારે ભારતીય ટીમ પોતાના જ દેશમાં 'હોમ ટીમ'ના બદલે 'વિઝિટિંગ ટીમ' તરીકે મેદાનમાં ઉતરી છે. સુરક્ષા કારણોસર અફઘાનિસ્તાન પોતાના દેશમાં આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શકતું નથી, તેથી તે પોતાની હોમ સિરીઝ ભારત અથવા યુએઈ માં રમે છે. આ શ્રેણી અફઘાનિસ્તાનના ફ્યુચર ટૂર પ્રોગ્રામ નો ભાગ હોવાથી તેમના માટે આ હોમ સિરીઝ ગણાશે.

શ્રેયસના બદલે ઝદરાને ઉછાળ્યો સિક્કો?

ક્રિકેટના નિયમો મુજબ સામાન્ય રીતે હોમ ટીમના કપ્તાન ટોસ માટેનો સિક્કો ઉછાળે છે, અને વિઝિટિંગ ટીમના કેપ્ટન હેડ અથવા ટેલ બોલે છે. આ મેચ ભારતમાં રમાઈ રહી હોવા છતાં યજમાન અફઘાનિસ્તાન હોવાથી, ભારતીય કપ્તાન શ્રેયસ અય્યરના બદલે અફઘાનિસ્તાનના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને સિક્કો ઉછાળ્યો હતો. ભારતે ટોસ જીતીને અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું.આ ઉપરાંત સ્ટેડિયમમાં ડ્રેસિંગ રૂમની વ્યવસ્થામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં હોમ અને વિઝિટિંગ ટીમો માટે અલગ-અલગ ડ્રેસિંગ રૂમ હોય છે, જેમાં અફઘાનિસ્તાનની ટીમ હોમ ડ્રેસિંગ રૂમનો અને ભારતીય ટીમ ગેસ્ટ ડ્રેસિંગ રૂમનો ઉપયોગ કરી રહી છે.

ટોસ જીત્યા બાદ શું કહ્યું કેપ્ટન શ્રેયસ અય્યરે?

ટોસ જીત્યા બાદ શ્રેયસે જણાવ્યું હતું કે, અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં રમતી વખતે પીચનો મિજાજ કેવો રહેશે તેનો અમને અંદાજ હોય છે. અહીં ઘણા મેચ રમવાના અનુભવ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી સિરીઝમાંથી ઘણી હકારાત્મક બાબતો શીખવા મળી હતી અને એ જ અભિગમ આ શ્રેણીમાં પણ જાળવી રાખીશું. ટીમ કોમ્બિનેશનની વાત કરીએ તો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજામાંથી સાજા થઈને ટીમમાં વાપસી કરી રહ્યા છે. પ્રથમ T20 માં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું નથી, જ્યારે અભિષેક શર્માની સાથે સંજૂ સેમસન ઈનિંગ્સની શરૂઆત કરશે.