અફઘાનિસ્તાન સામે તાજેતરમાં પૂર્ણ થયેલી 3 મેચની T20I શ્રેણીમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે આ શ્રેણીમાં 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને એક પણ મેચમાં રમવાની તક ન મળતાં ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જોવા મળી હતી. ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહીને 151 રન બનાવનાર વૈભવને સમગ્ર શ્રેણી દરમિયાન બેન્ચ પર જ બેસવું પડ્યું હતું.શ્રેણી ભારતે પોતાના નામે કરી લીધા બાદ અંતિમ મેચમાં વૈભવને તક મળવાની આશા હતી. પરંતુ ટીમ મેનેજમેન્ટે ફરી એક વખત અનુભવી વિકેટકીપર-બેટર સંજુ સેમસન પર વિશ્વાસ મૂક્યો. શ્રેણી પૂર્ણ થયા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જ્યારે વૈભવને તક ન મળવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ટીમના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું.
સંજુ સેમસન પર ગંભીરનો વિશ્વાસ
ગૌતમ ગંભીરના જણાવ્યા પ્રમાણે ભારતીય ટીમનું ધ્યાન એવા જ ટીમ કોમ્બિનેશનને આગળ વધારવા પર હતું, જેના આધારે ભારતે T20 વર્લ્ડ કપમાં સફળતા મેળવી હતી. તેમણે સંજુ સેમસનના અનુભવ અને છેલ્લા કેટલાક વર્ષોના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો.ગંભીરે કહ્યું કે કોઈ પણ ખેલાડી પોતાની ક્ષમતા વગર વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની શકતો નથી. તેમના મતે, માત્ર 3-4 મેચમાં ખરાબ પ્રદર્શન થયું હોય એટલા માટે કોઈ ખેલાડીને તરત જ ટીમમાંથી બહાર કરી શકાય નહીં.ગંભીર માટે વૈભવને તક આપવા સંજુ સેમસનને બહાર રાખવાનો નિર્ણય અગાઉ મુશ્કેલ રહ્યો હતો. પરંતુ તેમણે સેમસન પર વિશ્વાસ જાળવી રાખ્યો હતો. સેમસને અફઘાનિસ્તાન સામેની 3 મેચની શ્રેણીમાં 2 અડધી સદી સાથે કુલ 117 રન બનાવીને આ વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો.
