ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે શ્રેણીનો હાઈ-વોલ્ટેજ પ્રારંભ 4 નવેમ્બરથી થવા જઈ રહ્યો છે. સિરીઝની પ્રથમ વનડે મેચ ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક મેદાન પર રમાશે. એકતરફ જ્યાં ભારતીય ટીમ T20 સિરીઝ 3-2થી જીત્યા બાદ ઉત્સાહમાં છે, ત્યાં બીજી તરફ પ્રથમ વનડે પહેલાં ઈડન પાર્કના આંકડા ભારતીય ચાહકો અને ટીમ મેનેજમેન્ટ માટે મોટી ચિંતાનો વિષય બન્યા છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ અત્યંત નબળો રહ્યો છે.

ઈડન પાર્કમાં ભારતનો જૂનો રેકોર્ડ

ભારતીય ટીમે ઈડન પાર્કમાં પ્રથમ વનડે મેચ 22 ફેબ્રુઆરી 1976ના રોજ રમી હતી.તે સમયે સુનીલ ગાવસ્કર ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી રહ્યા હતા.જોકે,આ પ્રથમ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 80 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ત્યારથી ભારતીય ટીમે આ મેદાન પર વધુ 10 વનડે મેચ રમી છે.તેમાં 2015ના વનડે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે.આ મુકાબલામાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી.આમ,ઈડન પાર્કમાં અત્યાર સુધી રમાયેલી 11 મેચમાં ભારતે 4 જીત મેળવી છે,જ્યારે 6 મેચમાં હાર્યું છે અને એક મેચ ટાઈ રહી છે.

ન્યૂઝીલેન્ડ સામે પણ ભારતનો રેકોર્ડ નબળો

ઈડન પાર્કમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચોના આંકડા પણ ભારતીય ચાહકો માટે ચિંતાનો વિષય છે.આ મેદાન પર બંને ટીમો વચ્ચે રમાયેલી 11 વનડેમાંથી ભારતે માત્ર 4 મેચ જીતી છે.બીજી તરફ યજમાન ન્યૂઝીલેન્ડે 6 મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચ ટાઈ રહી હતી. આ આંકડા દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડને પોતાના ઘરઆંગણાના આ મેદાન પર રમવાનો ફાયદો મળતો રહ્યો છે.

છેલ્લી મેચમાં ટોમ લાથમે ભારત પાસેથી છીનવી હતી જીત

ઈડન પાર્કમાં ભારતે છેલ્લી વનડે મેચ 25 નવેમ્બર 2022ના રોજ રમી હતી.આ મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 306 રન બનાવ્યા હતા.ભારત તરફથી શિખર ધવન,શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી.જોકે,ન્યૂઝીલેન્ડના બોલરો ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસને 3-3વિકેટ લઈને ભારતીય બેટ્સમેનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.307રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શાનદાર બેટિંગ કરી હતી.ટોમ લાથમે અણનમ 145 રનની યાદગાર ઇનિંગ રમી હતી,જ્યારે કેન વિલિયમસને પણ અડધી સદી ફટકારી હતી.ન્યૂઝીલેન્ડે માત્ર 47.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 309 રન બનાવી લીધા હતા અને 7 વિકેટે જીત મેળવી હતી.ભારત તરફથી ઉમરાન મલિકે 2 વિકેટ ઝડપી હતી

શું શુભમન ગિલ જૂનો રેકોર્ડ બદલી શકશે?

હવે 4 નવેમ્બરે ભારતીય ટીમ ફરી એકવાર ઈડન પાર્કમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. આ વખતે ટીમની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં હશે.આવી સ્થિતિમાં ભારતીય ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે ઈડન પાર્કમાં જીત મેળવીને જૂના આંકડાઓ બદલી શકશે.

આ પણ વાંચો - Bhuvneshwar Kumar : ભૂવીના નામે ભડક્યા ઈરફાન પઠાણ, કહી દીધી મોટી વાત!