ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની વનડે સીરિઝનો ત્રીજો મુકાબલો મંગળવાર, 10 નવેમ્બરે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાન પર રમાશે. શરૂઆતની બંને મેચ જીતીને ભારતીય ટીમે સીરિઝમાં 2-0ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર ત્રીજી મેચ જીતીને સીરિઝમાં અજેય સરસાઈ મેળવવા પર રહેશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ઘરઆંગણે વાપસી કરવા માટે પૂરો પ્રયાસ કરશે. જોકે, આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં ફરી એકવાર વરસાદનું સંકટ ઊભું થયું છે. અગાઉની બંને મેચમાં વરસાદે રમતની મજા બગાડી હતી. હવે હેમિલ્ટનમાં પણ વરસાદની આગાહીથી ક્રિકેટ ચાહકોની ચિંતા વધી છે.
વનડેમાં ભારતનો રેકોર્ડ મજબૂત, ન્યૂઝીલેન્ડ પણ પાછળ નથી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ 125 વનડે મેચ રમાઈ છે. આમાંથી ભારતીય ટીમે 65 મેચમાં જીત મેળવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 52 મેચ જીતી છે. 7 મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું અને એક મુકાબલો ટાઈ રહ્યો હતો.જોકે, ન્યૂઝીલેન્ડની ધરતી પર બંને ટીમોના આંકડા અલગ જ કહાની કહે છે. અહીં રમાયેલી 47 વનડેમાંથી યજમાન ન્યૂઝીલેન્ડે 26 મેચ જીતી છે, જ્યારે ભારતને માત્ર 16 મેચમાં સફળતા મળી છે. 4 મેચ અનિર્ણિત રહી હતી અને એક મેચ ટાઈ થઈ હતી.આ આંકડા દર્શાવે છે કે ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે હરાવવું ભારતીય ટીમ માટે હંમેશાં સરળ રહ્યું નથી. જોકે, વર્તમાન સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો છે.
શું હેમિલ્ટનમાં ફરી વરસાદ બનશે વિલન?
હવામાનની આગાહી કરતી વેબસાઇટ AccuWeather અનુસાર, મંગળવારે હેમિલ્ટનમાં હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. બપોરના સમયે આકાશમાં 85થી 90 ટકા સુધી વાદળો છવાઈ શકે છે. ટોસ અને મેચની શરૂઆતના સમયે વરસાદ પડવાની પણ આશંકા છે.આગાહી પ્રમાણે, મંગળવારે આખા દિવસ દરમિયાન 25 MMથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદને કારણે રમત વારંવાર અટકશે તો ડકવર્થ-લુઈસ-સ્ટર્ન એટલે કે DLS નિયમનો ઉપયોગ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.અગાઉ ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં રમાયેલી બંને મેચમાં પણ વરસાદે વિઘ્ન નાખ્યું હતું. હવે હેમિલ્ટનમાં પણ આવું જ થાય તો ચાહકોને ફરી એકવાર અધૂરી મેચ જોવી પડી શકે છે.
બેટ્સમેનોને મળશે મદદ કે બોલરો કરશે કમાલ?
હેમિલ્ટનનું સેડન પાર્ક મેદાન સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં પિચ પર સારો ઉછાળો અને ગતિ મળે છે, જેના કારણે બેટ્સમેનોને પોતાના શોટ રમવામાં સરળતા રહે છે.આ મેદાન પર પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર આશરે 245થી 250 રનનો રહ્યો છે. જોકે, આ વખતે આકાશમાં વાદળો છવાયેલા રહેવાની શક્યતા હોવાથી ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં સ્વિંગ અને વધારાનો ઉછાળો મળી શકે છે.આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોએ શરૂઆતની ઓવરોમાં સાવચેતી રાખવી પડશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલરો ઘરઆંગણાની પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરશે
ટોસ જીતનાર ટીમ પહેલાં બોલિંગ પસંદ કરી શકે
સેડન પાર્કમાં લક્ષ્યનો પીછો કરતી ટીમોનો રેકોર્ડ સારો રહ્યો છે. આ ઉપરાંત વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ટોસ જીતનાર કેપ્ટન પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.ભારતીય ટીમ માટે આ મેચ સીરિઝ જીતવાની તક છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માટે સીરિઝમાં ટકી રહેવા માટે જીત જરૂરી છે. હવે જોવાનું રહેશે કે હેમિલ્ટનમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે કે વરસાદ ફરી એકવાર બંને ટીમોની યોજનાઓ પર પાણી ફેરવી દેશે.
આ પણ વાંચો -PAK vs SL : પાકિસ્તાનની ટીમમાં મોટો ઉલટફેર! એકસાથે 4 ખેલાડીઓનું ટેસ્ટ ડેબ્યૂ