ક્રિકેટ જોવા માટે હવે માત્ર ટીવી કે સ્પોર્ટ્સ એપ પર જ આધાર રાખવો નહીં પડે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTok પર પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સિરીઝની પહેલી મેચથી આ નવી પહેલ શરૂ થશે. જોકે, અહીં આખી મેચ નહીં, પરંતુ શરૂઆતની 6 ઓવરનું જ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અને બ્રોડકાસ્ટર Skyએ આ પહેલ કરી છે. તેનો હેતુ ખાસ કરીને યુવા દર્શકોને ક્રિકેટ સાથે જોડવાનો છે. TikTok પર વીડિયો જોવાની ટેવ ધરાવતા દર્શકો હવે આ પ્લેટફોર્મ પર મેચની શરૂઆતની ઓવરોનો રોમાંચ પણ માણી શકશે.
TikTok પર ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે મેચ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી T20 મેચ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. આ મેચની શરૂઆતની 6 ઓવર TikTok પર લાઈવ બતાવવામાં આવશે. તેના માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સત્તાવાર BLACKCAPS TikTok એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રસારણ ખાસ મોબાઈલ યુઝર્સને ધ્યાનમાં રાખીને વર્ટિકલ ફોર્મેટમાં કરવામાં આવશે. એટલે કે મોબાઈલની સ્ક્રીન પર સીધા વીડિયો જોવાની જેમ ક્રિકેટ પણ જોઈ શકાશે. જોકે, આ સુવિધા ન્યૂઝીલેન્ડમાં રહેતા દર્શકો માટે છે. ભારતમાં બેઠેલા દર્શકો TikTok પર આ લાઈવ પ્રસારણ જોઈ શકશે કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ભારતમાં ક્યાં જોઈ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડની મેચ?
ભારતમાં આ સિરીઝ જોવા માગતા ક્રિકેટ ચાહકો માટે ટેલિવિઝન પર Sony Sports Network અને મોબાઈલ કે લેપટોપ પર SonyLIV પર લાઈવ પ્રસારણની વ્યવસ્થા રહેશે. એટલે ભારતમાં દર્શકોને TikTok પર શરૂઆતની 6 ઓવર જોવા માટે રાહ જોવાને બદલે સત્તાવાર પ્રસારણના માધ્યમનો ઉપયોગ કરવો પડશે. પહેલી T20 મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. ન્યૂઝીલેન્ડના સ્થાનિક સમય પ્રમાણે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને ટીમો વચ્ચે કુલ પાંચ T20 મેચ રમાવાની છે.
T20ની શરૂઆતની 6 ઓવર જ કેમ પસંદ કરી?
T20 ક્રિકેટમાં શરૂઆતની 6 ઓવર એટલે પાવરપ્લે. આ દરમિયાન મેદાનની બહારની બાજુએ ફિલ્ડિંગ માટે મર્યાદા હોય છે, જેના કારણે બેટ્સમેનો મોટા શોટ રમવાની તક શોધે છે. આ જ સમયે વિકેટ પડવાની શક્યતા પણ રહે છે. એટલે મેચની શરૂઆતમાં જ ચોગ્ગા-છગ્ગા અને વિકેટનો રોમાંચ જોવા મળી શકે છે. TikTok પર આ ઓવરો બતાવવાનો હેતુ એવા યુવા દર્શકોને આકર્ષવાનો છે, જેઓ સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. જોકે, આ પહેલનો અર્થ એ નથી કે TikTok પર આખી મેચ જોવા મળશે. અહીં માત્ર શરૂઆતની 6 ઓવરનું જ લાઈવ પ્રસારણ થશે. આખી મેચ જોવા માટે ન્યૂઝીલેન્ડમાં દર્શકો Three અને ThreeNowનો ઉપયોગ કરી શકશે, જ્યારે ભારતમાં Sony Sports Network અને SonyLIV પર મેચ જોઈ શકાશે.
ક્રિકેટ પ્રસારણમાં નવો પ્રયોગ
આજના સમયમાં ક્રિકેટના દર્શકો સુધી પહોંચવા માટે બ્રોડકાસ્ટર્સ અને ક્રિકેટ બોર્ડ નવા રસ્તા શોધી રહ્યાં છે. ટીવી અને સ્ટ્રીમિંગ એપ્સની સાથે સોશિયલ મીડિયા પર પણ લાઈવ રમત બતાવવાનો આ પ્રયાસ એ જ દિશામાં એક પગલું છે. TikTok પર આ પ્રયોગ કેટલો સફળ થાય છે અને યુવા દર્શકો તેને કેટલો પસંદ કરે છે, તેના પર સૌની નજર રહેશે. જો આ પહેલ સફળ થશે, તો ભવિષ્યમાં ક્રિકેટને સોશિયલ મીડિયા પર રજૂ કરવાની રીતમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: PCB: પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, આ વખતે ભારત નહીં આવે પાકિસ્તાન