ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં શરૂ થશે. વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ બંને ટીમો હવે બીજી ટેસ્ટની તૈયારીમાં લાગી ગઈ છે. જોકે, આ મહત્વપૂર્ણ મેચ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર બ્લેર ટિકનર ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.

હેમસ્ટ્રિંગની ઈજાએ વધારી મુશ્કેલી

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર બ્લેર ટિકનરને જમણી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. વેલિંગ્ટનમાં ટ્રેનિંગ સેશન દરમિયાન તેને આ ઈજા થઈ હતી. આ કારણે તે 27 નવેમ્બરથી શરૂ થનારી ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં રમી શકશે નહીં.ખાસ વાત એ છે કે ટિકનરને વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું નહોતું. હવે ઈજાને કારણે તે બીજી ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. આ સમાચાર ન્યૂઝીલેન્ડની ટીમ માટે ચિંતાજનક છે, કારણ કે છેલ્લી ટેસ્ટમાં ટીમને પોતાના તમામ ઉપલબ્ધ બોલરોનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.

https://www.instagram.com/p/DgGadZmFwz1/?utm_source=ig_web_copy_link&cnvx=NTc4MTIwNjQ2YQ==

મેટ ફિશરને મળી ટીમમાં જગ્યા

બ્લેર ટિકનર બહાર થતાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે તેના સ્થાને ફાસ્ટ બોલર મેટ ફિશરને ટીમમાં સામેલ કર્યો છે. ફિશર ભારત સામેની વનડે સિરીઝ દરમિયાન પણ ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ હતો.જોકે, ટેસ્ટ ક્રિકેટમાં તેનો અનુભવ ઘણો ઓછો છે. ફિશરે અત્યાર સુધી માત્ર 1 ટેસ્ટ મેચ રમી છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી આ મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. હવે ક્રાઇસ્ટચર્ચમાં તેને અંતિમ 11માં તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

સેન્ટનર બાદ ટિકનરની ઈજાથી ન્યૂઝીલેન્ડની ચિંતા વધી

ન્યૂઝીલેન્ડની મુશ્કેલી માત્ર ટિકનર સુધી મર્યાદિત નથી. ટીમ પહેલેથી જ મિચેલ સેન્ટનરની સેવાઓ મેળવી શકતી નથી. હવે ટિકનર પણ બહાર થતાં બોલિંગ વિભાગના વિકલ્પો ઘટ્યા છે.ટિકનરના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે અને 22 વિકેટ ઝડપી છે. તેની ગેરહાજરીમાં મેટ ફિશર પર વધારાની જવાબદારી આવી શકે છે. જોકે, અનુભવની દૃષ્ટિએ ફિશર ટિકનર કરતાં ઘણો પાછળ છે.

બીજી ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

ક્રાઇસ્ટચર્ચમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં ટોમ લાથમ, ટોમ બ્લંડેલ, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, મેટ હેનરી, કાઇલ જેમિસન, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ અને વિલ યંગનો સમાવેશ થાય છે.હવે જોવાનું એ રહેશે કે ભારત સામેની છેલ્લી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ ઈજાની સમસ્યાને કેવી રીતે પહોંચી વળે છે. પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ બંને ટીમો સિરીઝનો અંત જીત સાથે કરવા મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો- Yuvraj Singh: 40 ગ્રામના બારમાં 14 ગ્રામ પ્રોટીન! યુવરાજ સિંહે લોન્ચ કરી બે નવી પ્રોડક્ટ