ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે એક પછી એક અનેક રેકોર્ડ તૂટતા રહ્યા. કોઈએ મહાન બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવ્યું, તો શુભમન ગિલ ભારતીય કેપ્ટનોની એક અનિચ્છનીય યાદીમાં સામેલ થઈ ગયા.

ત્રીજા દિવસની રમત પૂરી થતાં ભારતે 4 વિકેટના નુકસાન પર 486 રન બનાવી લીધા હતા અને તેની કુલ લીડ 118 રનની થઈ હતી.

મેચના ત્રીજા દિવસે ભારત તરફથી KL રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તેણે 136 રનની ઇનિંગ રમી હતી. આ સાથે રાહુલ સક્રિય ટેસ્ટ ક્રિકેટરોમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

બીજી તરફ ઋષભ પંત (55 રન), શુભમન ગિલ (98 રન) અને દેવદત્ત પડિકલ (80 રન)એ પણ અડધી સદી ફટકારી હતી. વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે બનેલા તમામ રેકોર્ડ્સ પર નજર કરીએ.

ત્રીજા દિવસે રેકોર્ડ્સની ભરમાર
સક્રિય ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ ટેસ્ટ સદી

KL રાહુલે પોતાની ટેસ્ટ કારકિર્દીની 13મી સદી ફટકારી હતી. આ સાથે તે સક્રિય ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. 11 સદી સાથે શુભમન ગિલ બીજા સ્થાને છે.

90ના આંકડામાં આઉટ થનારા ભારતીય કેપ્ટન

શુભમન ગિલની ઇનિંગ 98 રન પર સમાપ્ત થઈ હતી. આ સાથે તે ટેસ્ટ ઇનિંગમાં 90ના આંકડામાં આઉટ થનારા 11મા ભારતીય કેપ્ટન બન્યા છે. મહેન્દ્ર સિંહ ધોની સાથે સૌથી વધુ 4 વખત આવું બન્યું હતું.

SENA દેશોમાં સદી ફટકારનાર ભારતીય ઓપનર

KL રાહુલે 136 રનની ઇનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રાહુલ એકમાત્ર ભારતીય ઓપનર છે, જેણે તમામ SENA દેશોમાં (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ટેસ્ટ સદી ફટકારી છે.

રાહુલ ઇંગ્લેન્ડમાં 4, દક્ષિણ આફ્રિકામાં 2 અને ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં 1-1 સદી ફટકારી ચૂક્યો છે.

વેલિંગ્ટનમાં ભારતનો સૌથી મોટો ટેસ્ટ સ્કોર

ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 486 રન બનાવી ચૂકી હતી. બેસિન રિઝર્વ મેદાન પર ભારતનો આ સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. અગાઉ ભારતે 2014માં ન્યૂઝીલેન્ડ સામે આ મેદાન પર 438 રન બનાવ્યા હતા.

ઓપનર તરીકે ન્યૂઝીલેન્ડમાં ત્રીજો સૌથી મોટો સ્કોર

ઓપનર તરીકે KL રાહુલે ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટમાં ભારત માટે ત્રીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ યાદીમાં પ્રથમ બે સ્થાન ગૌતમ ગંભીરના નામે છે. ગંભીરએ 2009માં ન્યૂઝીલેન્ડમાં 167 અને 137 રનની ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડમાં ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી

KL રાહુલે ન્યૂઝીલેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં જ સદી ફટકારી હતી. તેમના પહેલાં 1976માં માત્ર સુનીલ ગાવસ્કર અને સુરિન્દર અમરનાથે ન્યૂઝીલેન્ડમાં પોતાની ટેસ્ટ ડેબ્યૂ ઇનિંગમાં સદી ફટકારી હતી.

એક જ ઇનિંગમાં બે સદીની ભાગીદારી

ન્યૂઝીલેન્ડમાં રમતાં KL રાહુલ ભારત માટે એક જ ટેસ્ટ ઇનિંગમાં બે સદીની ભાગીદારી કરનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ થયા છે. તેમના પહેલાં માત્ર રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીર આવું કરી શક્યા હતા.

રાહુલએ યશસ્વી જાયસવાલ સાથે 130 રન અને ત્યારબાદ દેવદત્ત પડિકલ સાથે 165 રનની ભાગીદારી કરી હતી.

2021થી ઓપનર તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી

2021થી અત્યાર સુધી ઓપનર તરીકે KL રાહુલ 7 ટેસ્ટ સદી ફટકારી ચૂક્યો છે. તેના સિવાય ટોમ લાથમ, બેન ડકેટ, યશસ્વી જાયસવાલ અને દિમુથ કરુણારત્ને પણ આ સમયગાળામાં 7-7 ટેસ્ટ સદી ફટકારી છે.

આ પણ વાંચો:IND vs NZ Testનો 3જા દિવસનો ખેલ ખતમ, કેએલ રાહુલની સદી, શુભમન ગિલ 98 રને આઉટ, ભારતના 327 રન