ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 શ્રેણી હવે અંતિમ મુકાબલા સુધી પહોંચી છે. શ્રેણીની પ્રથમ 3 મેચ જીતીને ભારતે પહેલેથી જ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. જોકે, 30 ઓક્ટોબરે રમાયેલી ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રનથી હરાવીને જોરદાર વાપસી કરી હતી. હવે બંને ટીમો વચ્ચે પાંચમી અને અંતિમ T20 મેચ 1 નવેમ્બર, રવિવારે રમાશે
ક્યારે અને ક્યાં રમાશે પાંચમી T20 મેચ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી T20 મેચ રવિવાર, 1 નવેમ્બર 2026ના રોજ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન શહેરના સેડન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 12:00 વાગ્યે ટોસ થશે, જ્યારે મેચ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે.
ટીવી અને મોબાઇલ પર લાઈવ મેચ ક્યાં જોવી?
ભારતમાં ક્રિકેટપ્રેમીઓ આ મેચનું લાઈવ પ્રસારણ Sony Sports Networkની ચેનલો પર જોઈ શકશે. જ્યારે મોબાઇલ અને અન્ય ડિજિટલ ડિવાઇસ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ SonyLIV એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. મેચની લાઈવ અપડેટ્સ સંદેશ ન્યૂઝ વેબસઈટ અને એપ પર પણ જોઈ શકાશે.
ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
શ્રેણીની ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 87 રનથી જીતી હતી. આ હાર છતાં ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે. હવે ભારતીય ટીમ અંતિમ મેચ જીતીને શ્રેણીનો અંત 4-1થી કરવા માગશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની નજર સતત બીજી જીત મેળવીને શ્રેણીનો અંત સકારાત્મક રીતે કરવા પર રહેશે.
સેડન પાર્કની પિચ કેવી રહેશે?
હેમિલ્ટનના સેડન પાર્કની પિચ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં બાઉન્ડરી નાની હોવાથી ચોગ્ગા અને છગ્ગા જોવા મળી શકે છે. મેચના સમયને ધ્યાનમાં રાખીને ઝાકળની અસર પણ મહત્વની બની શકે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલાં બોલિંગ પસંદ કરી શકે છે. જોકે, અંતિમ નિર્ણય પિચ અને હવામાનની સ્થિતિ પર આધારિત રહેશે.
ભારત સામે ન્યૂઝીલેન્ડની છેલ્લી તક
ભારત શ્રેણી જીતી ચૂક્યું હોવાથી ટીમ મેનેજમેન્ટ અંતિમ મેચમાં કેટલાક ખેલાડીઓને તક આપવાનો વિચાર કરી શકે છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ચોથી મેચની જીતથી મળેલા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. હવે જોવાનું એ રહેશે કે ટીમ ઇન્ડિયા જીત સાથે શ્રેણી પૂરી કરે છે કે ન્યૂઝીલેન્ડ અંતિમ મુકાબલામાં પણ બાજી મારીને શ્રેણી 3-2 પર લાવે છે.