ન્યુઝીલેન્ડમાં ત્રીજી વનડે મેચ બાદ ટીમ ઈન્ડિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી, જેમાં એક ટીમ છેલ્લી બે વનડે રમવા માટે માઉન્ટ મૌંગાનુઈ ગઈ અને ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે વેલિંગ્ટન જઈ રહેલા શુભમન ગિલ, કેએલ રાહુલ તથા અંશુલ કંબોજ સહિત 8-10 સભ્યોની ટેસ્ટ ટીમે વેલિંગ્ટનમાં પગ મૂકતા પહેલા એક ભયાનક અનુભવનો સામનો કરવો પડ્યો હતો.

એર ન્યુઝીલેન્ડની ફ્લાઇટ NZ5817 દ્વારા હેમિલ્ટનથી પ્રવાસ

મીડિયા અહેવાલ મુજબ, ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને અન્ય સપોર્ટ સ્ટાફના સભ્યોએ એર ન્યુઝીલેન્ડની ફ્લાઇટ NZ5817 દ્વારા હેમિલ્ટનથી વેલિંગ્ટન માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ સવારે 11:43 વાગ્યે હેમિલ્ટનથી રવાના થઈ હતી અને શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ વેલિંગ્ટન એરપોર્ટ નજીક પહોંચતા વિમાનને જોરદાર પવન અને તોફાનનો સામનો કરવો પડ્યો હતો.

ખરાબ હવામાનને કારણે લેન્ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ

ટેકરીઓથી ઘેરાયેલું વેલિંગ્ટન એરપોર્ટ વિશ્વના સૌથી મુશ્કેલ એરપોર્ટમાંનું એક ગણવામાં આવે છે. બપોરે લગભગ 12:45 વાગ્યે જ્યારે વિમાન રનવેથી થોડાક સો ફૂટ ઉપર પહોંચ્યું, ત્યારે ભારે પવન અને તોફાનના કારણે પાયલટ્સને લેન્ડિંગ રદ કરવાની અને વિમાનને પાછું ઉપર લઈ જવાની ફરજ પડી હતી.

બીજા પ્રયાસમાં 26 મિનિટના વિલંબ સાથે વિમાનનું સુરક્ષિત ઉતરાણ

વિમાને 5,000 ફૂટથી વધુ ઊંચાઈએ ફરી ઉડાન ભરી હતી અને પવન શાંત થયા બાદ પાયલટ્સે બીજો પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યા હતા. ભારતીય ટેસ્ટ ખેલાડીઓને લઈ જતું આ વિમાન આખરે નિર્ધારિત સમયથી લગભગ 26 મિનિટ મોડું, બપોરે 1:06 વાગ્યે સુરક્ષિત રીતે વેલિંગ્ટન એરપોર્ટ પર ઉતર્યું હતું.

સદનસીબે તમામ ખેલાડીઓ સુરક્ષિત, 19 નવેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ

આ આખી ઘટના દરમિયાન ખેલાડીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ સદનસીબે કોઈને પણ કોઈ ઇજા થઈ ન હતી અને સુરક્ષિત લેન્ડિંગ બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી આગામી 19 નવેમ્બરથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે શરૂ થવાની છે.


આ પણ વાંચો : IPL 2028માં 12 ટીમો થશે? BCCIએ અટકળો પર આપી દીધો સ્પષ્ટ જવાબ !