ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વેલિંગ્ટન ટેસ્ટ મેચના પહેલા જ દિવસે DRS નિર્ણયને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. થર્ડ અમ્પાયરે ગ્લેન ફિલિપ્સને નોટ આઉટ જાહેર કરતા ભારતીય કેપ્ટન શુભમન ગિલ નારાજ જોવા મળ્યા હતા અને તેમણે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરી હતી.
31મી ઓવરમાં બુમરાહની અપીલ અને DRS નો નિર્ણય
આ સમગ્ર ઘટના ઇનિંગની 31મી ઓવરમાં બની હતી. જસપ્રીત બુમરાહનો એક ઝડપી ઇનસ્વિંગ બોલ સીધો ગ્લેન ફિલિપ્સના પેડ પર વાગ્યો હતો. ભારતીય ખેલાડીઓએ LBW માટે જોરદાર અપીલ કરી, પરંતુ મેદાન પરના અમ્પાયરે બેટ્સમેનને નોટ આઉટ આપ્યો. ત્યારબાદ શુભમન ગિલે બુમરાહ સાથે ચર્ચા કરી. બુમરાહને લાગ્યું કે બોલ સ્ટમ્પ પરથી પસાર થઈ રહ્યો હશે, જ્યારે ગિલને વિશ્વાસ હતો કે બોલ બેટને અડ્યા વિના સીધો પેડ પર વાગ્યો છે. થોડી જ સેકન્ડોની વાતચીત બાદ ગિલે DRS રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો.

સ્નિકોમીટરના સ્પાઇક પર થર્ડ અમ્પાયરનો નિર્ણય
રિવ્યુ દરમિયાન રિપ્લેમાં બોલ બેટની નજીક પહોંચતા જ સ્નિકોમીટર પર સ્પાઇક જોવા મળ્યો. ફ્રન્ટ-ઓન કેમેરાના એંગલથી બેટની કિનારી સ્પષ્ટ દેખાતી ન હતી, પરંતુ થર્ડ અમ્પાયર પોલ રીફેલે વિવિધ એંગલથી સ્લો મોશનમાં ફૂટેજ તપાસ્યા બાદ બોલમાં હળવું ડિફ્લેક્શન હોવાનું નોંધ્યું. આ આધારે તેમણે ઓન-ફિલ્ડ અમ્પાયરના નોટ આઉટના નિર્ણયને યથાવત રાખ્યો.
શુભમન ગિલની નારાજગી અને ભારતનો રિવ્યુ ગુમાવ્યો
થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી શુભમન ગિલ સહમત નહોતા. તેમનું માનવું હતું કે બોલ અને બેટ વચ્ચે સ્પષ્ટ અંતર હતું અને બોલ પેડ પર જ લાગ્યો હતો. આ કારણે ગિલે તરત જ ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ પાસે જઈને આ મુદ્દે વાતચીત કરી અને અસંતોષ વ્યક્ત કર્યો. જોકે, નિયમ મુજબ થર્ડ અમ્પાયરનો નિર્ણય અંતિમ માન્ય રહે છે. થોડી ક્ષણો ચર્ચા અને માથું હલાવ્યા બાદ ગિલ પોતાની જગ્યાએ પરત ફર્યા હતા. બુમરાહ પણ આ નિર્ણયથી નિરાશ દેખાયો હતો અને આ સાથે ભારતે પોતાનો એક મહત્વપૂર્ણ રિવ્યુ ગુમાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ ચાહકોએ આ નિર્ણયને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ અપડેટ 10ઃ00 સુધી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ લખાય છે ત્યાં સુધી (10ઃ00 ભારતીય સમય) માં ન્યૂઝીલેન્ડે 200 રન પૂરા કર્યા છે. હાલમાં હેનરી 95 અને ગ્લેન ફિલિપ્સ 72 રન પર રમી રહ્યા છે. ગ્લેન ફિલિપ્સ અને હેનરી નિકોલ્સની ભાગીદારી કરતા 172 બોલમાં 101 રન બનાવ્યા છે.
આ પણ વાંચો : ICC Rankingsમાં અર્શદીપ સિંહની મોટી છલાંગ! ટોમ બેન્ટને પણ લગાવી 34 સ્થાનની હરણફાળ