ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બર 2026થી વેલિંગ્ટનમાં બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલાં ભારતીય પસંદગી સમિતિએ ટેસ્ટ ટીમમાં બે મહત્ત્વના ફેરફાર કર્યા છે.યુવા ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે અનુભવી ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ભારતીય ટીમ માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત વેલિંગ્ટન પહોંચી ગયો છે અને ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયો છે. હવે ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં લાગી ગઈ છે.

ગુરનૂર બ્રારને મળી ટેસ્ટ ટીમમાં તક

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં યુવા ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારનો સમાવેશ કરવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.ગુરનૂર હવે સીધો ટેસ્ટ ટીમના ખેલાડીઓ સાથે જોડાશે. આ કારણે તે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પાંચમી અને છેલ્લી વનડે મેચમાં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.મહત્ત્વની વાત એ છે કે ગુરનૂરના સ્થાને પાંચમી વનડે માટે અન્ય કોઈ ખેલાડીની જાહેરાત કરવામાં આવી નથી. યુવા ફાસ્ટ બોલર માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવું કારકિર્દીની મોટી તક માનવામાં આવે છે.

https://x.com/BCCI/status/2121455163508756692?a=Q-Czw2kLpVBxzqXEsjI&s=20

કુલદીપ યાદવને ટીમમાંથી શા માટે કરાયો બહાર?

ભારતીય સ્પિનર કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. જોકે,તેને ખરાબ પ્રદર્શનના કારણે બહાર કરવામાં આવ્યો નથી.પસંદગી સમિતિએ કુલદીપને સ્વદેશ પરત ફરવાની મંજૂરી આપી છે,જેથી તે ચાલુ સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે.એટલે કે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કુલદીપ ભારતીય ટીમનો ભાગ નહીં હોય.કુલદીપની ગેરહાજરીમાં ભારતીય સ્પિન બોલિંગની જવાબદારી રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ પર રહેશે.

ઋષભ પંતના જોડાવાથી ટીમને રાહત

ભારતીય ટીમ માટે સૌથી સારા સમાચાર ઋષભ પંતને લઈને આવ્યા છે. સ્ટાર વિકેટકીપર બેટ્સમેન વેલિંગ્ટન પહોંચી ગયો છે અને ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયો છે.ઋષભ પંતની હાજરી ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તે પોતાની આક્રમક બેટિંગ અને વિકેટકીપિંગથી મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે.ટેસ્ટ ક્રિકેટમાં પંતનો અનુભવ ભારતીય ટીમને મજબૂતી આપશે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડની ધરતી પર તેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.