એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ પોતાની તોફાની બેટિંગથી પાકિસ્તાની બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. ડાબોડી બેટરે માત્ર 28 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાનો સમાવેશ થયો હતો.
અભિષેક શર્માની શાનદાર ઇનિંગ
અભિષેક શર્માની આ ઇનિંગની સૌથી ખાસ વાત એ રહી કે તેણે પાકિસ્તાન સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો. અભિષેકે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાકિસ્તાન સામે આ પહેલાં અભિષેકે 24 બોલમાં અડધી સદી ફટકારી હતી.
https://x.com/BCCI/status/2106252843984572601?s=20
શરૂઆતથી જ પાકિસ્તાની બોલરો પર તૂટી પડ્યો
અભિષેક શર્માએ સિંગલ સાથે પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ તેણે પાકિસ્તાની બોલરોને કોઈ રાહત આપી નહોતી. બીજા ઓવરની પાંચમી બોલ પર તેણે પોતાની ઇનિંગનો પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો.ત્યારબાદ ત્રીજા ઓવરમાં સૈયમ અયૂબની બોલિંગ સામે અભિષેકે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે અયૂબની એક જ ઓવરમાં 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકારીને ભારતના રનરેટને ઝડપથી વધાર્યો હતો.આ પછી અહમદ ડેનિયલની બોલિંગમાં પણ અભિષેકે મોટો છગ્ગો ફટકાર્યો હતો. સતત બાઉન્ડરી ફટકારતા અભિષેકે પાવરપ્લે દરમિયાન જ પોતાની અડધી સદી પૂરી કરી હતી.
પાકિસ્તાને આપ્યા 4 જીવનદાન
અભિષેક શર્માની આ તોફાની ઇનિંગ દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓએ તેને એક નહીં પરંતુ 4 જીવનદાન આપ્યા હતા. અરફાત મિનહાસની બોલિંગ દરમિયાન સૈયમ અયૂબે ડીપ મિડવિકેટ પર અભિષેકનો કેચ છોડ્યો હતો.ત્યારબાદ અબરાર અહમદે પણ તેનો કેચ પકડી શક્યો નહોતો. વિકેટકીપર ઉસ્માન ખાન પાસેથી પણ એક કેચ છૂટી ગયો હતો. આ ઉપરાંત ઝડપી બોલર અહમદ ડેનિયલ પાસે અભિષેકને રનઆઉટ કરવાની તક હતી, પરંતુ તે પણ ચૂકી ગયો હતો.આ ચાર જીવનદાનનો અભિષેકે ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને પાકિસ્તાની બોલિંગ પર સતત હુમલો કર્યો.
પાવરપ્લેમાં ભારતનો મોટો રેકોર્ડ
અભિષેક શર્માની તોફાની બેટિંગના કારણે ભારતે પાવરપ્લેમાં જ 81 રન બનાવી લીધા હતા. પાકિસ્તાન સામે ભારતનો આ સૌથી મોટો પાવરપ્લે સ્કોર બન્યો હતો.અભિષેકે માત્ર 20 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેની આક્રમક બેટિંગે ભારતને મેચની શરૂઆતથી જ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.
T20માં 400 છગ્ગા પણ પૂરા કર્યા
અભિષેક શર્માએ પોતાની આ ઇનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં 400 છગ્ગા પૂરા કરવાની સિદ્ધિ પણ મેળવી હતી. તેણે 3513 બોલમાં 400 છગ્ગા પૂરા કર્યા હોવાનું જણાવાયું છે.T20 ક્રિકેટમાં 400 છગ્ગા સુધી પહોંચવામાં અભિષેકે ક્રિસ ગેલ કરતાં ઓછી બોલનો સામનો કર્યો હતો. આ યાદીમાં આન્દ્રે રસેલે 3027 બોલમાં 400 છગ્ગા પૂરા કરીને ટોચનું સ્થાન મેળવ્યું છે.પાકિસ્તાન સામેની ગોલ્ડ મેડલ મેચમાં અભિષેક શર્માની આ ઇનિંગે ફરી એકવાર તેની આક્રમક બેટિંગની ક્ષમતા બતાવી છે. માત્ર 28 બોલમાં 61 રનની ઇનિંગ અને 7 છગ્ગાની મદદથી તેણે ભારતીય ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી.
આ પણ વાંચો - IND vs PAK: વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ પાકિસ્તાની બોલરે આ શું કર્યું, જુઓ video