તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ વનડેમાં કેરેબિયન ટીમના ઓપનરોએ શાનદાર શરૂઆત કરીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જસ્ટિન ગ્રીવ્સ અને જોન કેમ્પબેલે આ નિર્ણયને ખોટો સાબિત કરતાં ભારતીય બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી.
24 વર્ષ બાદ ભારત સામે મોટો રેકોર્ડ
જસ્ટિન ગ્રીવ્સ અને જોન કેમ્પબેલે પ્રથમ વિકેટ માટે માત્ર 13.3 ઓવરમાં 100 રનની ભાગીદારી કરી હતી. આ સાથે ભારતીય ધરતી પર વેસ્ટ ઈન્ડિઝની કોઈ ઓપનિંગ જોડી 24 વર્ષ બાદ ભારત સામે વનડેમાં સદીની ભાગીદારી કરવામાં સફળ રહી છે.છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ ઈન્ડિઝની ઓપનિંગ જોડી સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી. 2025થી અત્યાર સુધી ટીમે 20થી વધુ વનડે મેચ રમી છે, પરંતુ આ દરમિયાન તેમની કોઈપણ ઓપનિંગ જોડી પ્રથમ વિકેટ માટે 65 રનનો આંકડો પણ પાર કરી શકી નહોતી. જોકે, ભારત સામે ગ્રીવ્સ અને કેમ્પબેલે શરૂઆતથી જ અલગ અંદાજમાં બેટિંગ કરી હતી.રસપ્રદ વાત એ છે કે જસ્ટિન ગ્રીવ્સ અને જોન કેમ્પબેલ વનડેમાં માત્ર બીજી વખત ઓપનિંગ કરવા માટે સાથે મેદાનમાં ઉતર્યા હતા. બંનેએ ભારતીય પરિસ્થિતિમાં પણ આક્રમક બેટિંગ કરતાં માત્ર 81 બોલમાં 100 રનની ભાગીદારી પૂરી કરી હતી.
