ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 5 મેચની T20I શ્રેણીની શરૂઆત આજે લખનઉથી થવાની છે. બંને ટીમો વચ્ચેની પ્રથમ T20I મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. જોકે મેચ પહેલા જ લખનઉમાં પૂરનો ખતરો ઉભો થયો છે. ગોમતી નદીમાં પાણીનું સ્તર વધતાં તેનું પાણી એકાના સ્ટેડિયમની નજીક સુધી પહોંચી ગયું છે. જેના કારણે મેચના આયોજન અને દર્શકોની અવરજવર અંગે ચિંતા વધી હતી.

એકાના સ્ટેડિયમ નજીક પહોંચ્યું ગોમતીનું પાણી

મળતી માહિતી પ્રમાણે ગોમતી નદીમાં આવેલા પૂરનું પાણી એકાના ક્રિકેટ સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પહોંચી ગયું છે. સ્ટેડિયમની નજીક પાણી ભરાઈ જતાં ત્યાં જવા માટેના એક અંડરપાસને પણ બંધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિને કારણે આસપાસના વિસ્તારમાં વાહનવ્યવહારને અસર થઈ રહી છે.સ્થાનિક તંત્ર દ્વારા પાણી ઝડપથી બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. પાણીનો પ્રવાહ વધતાં મેચના આયોજન અંગે ક્રિકેટ ચાહકોમાં પણ ચિંતા જોવા મળી હતી.

મેચ પોતાના નિર્ધારિત સમયે જ શરૂ થશે

પૂરની સ્થિતિ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમ મેનેજમેન્ટે ક્રિકેટ ચાહકોને રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T20I મેચ પર કોઈ અસર નહીં પડે. સ્ટેડિયમ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે મેચ પોતાના નિર્ધારિત સમયે જ શરૂ થશે.આ સમાચાર બાદ ચાહકોને મોટી રાહત મળી છે. જોકે સ્ટેડિયમની આસપાસ પાણી ભરાવાને કારણે દર્શકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

એકાના સ્ટેડિયમ પાસે કેમ ભરાયું પાણી?

એકાના ક્રિકેટ સ્ટેડિયમ ગોમતી નદીની નજીક આવેલું છે. સ્ટેડિયમ ગોમતી નદીથી આશરે અડધા કિલોમીટરના અંતરે છે. હાલ ગોમતી નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે તેની અસર આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે.સ્ટેડિયમ નજીક આવેલો મોટો નાળો ઓવરફ્લો થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. નાળાનું પાણી ગોમતી નદીમાં ભળતું હોવાથી આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ જ કારણસર ઈકાના સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ પર પણ પાણીની અસર જોવા મળી રહી છે.

લખનઉમાં ભારતનો શાનદાર રેકોર્ડ

લખનઉના એકાના સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આ બીજી T20I મેચ હશે. અગાઉ બંને ટીમો આ મેદાન પર આમને-સામને આવી ચૂકી છે અને તેમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું.ઈકાના સ્ટેડિયમમાં ભારતનો T20I રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધી એક પણ T20I મેચ ગુમાવી નથી. ભારત માટે લખનઉમાં રમાનારી આ કુલ ચોથી T20I મેચ હશે.બીજી તરફ વેસ્ટ ઈન્ડીઝ માટે ઈકાના સ્ટેડિયમ ખાસ સફળ રહ્યું નથી. વેસ્ટ ઈન્ડીઝની ટીમ આ મેદાન પર અગાઉ 4 T20I મેચ રમી ચૂકી છે, જેમાં તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમ ઈન્ડિયા સામેની પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડીઝ જીત સાથે શ્રેણીની શરૂઆત કરવા માંગશે.

ફેન્સની નજર મેચ પર

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની T20I શ્રેણીને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. એક તરફ મેચ માટે મેદાન તૈયાર છે, તો બીજી તરફ લખનઉમાં પાણી ભરાવાની સ્થિતિએ ચિંતા વધારી છે. જોકે સ્ટેડિયમ મેનેજમેન્ટે મેચ સમયસર યોજાશે તેવી સ્પષ્ટતા કરી હોવાથી હાલ ક્રિકેટ ચાહકોની નજર બંને ટીમોની ટક્કર પર છે.જો હવામાન અને મેદાનની સ્થિતિ અનુકૂળ રહેશે તો ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની આ મેચ રોમાંચક બની શકે છે. ભારત ઘરઆંગણે શ્રેણીની શરૂઆત જીત સાથે કરવા ઉતરશે, જ્યારે વેસ્ટ ઈન્ડીઝ ભારતીય ટીમને તેના જ મેદાન પર પડકાર આપવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો - IND VS WI: પ્રથમ T20I ક્યારે અને ક્યાં જોઈ શકશો, ફ્રીમાં મેચ જોવાની પણ તક