ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી T20 મેચ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલાં ભારતીય ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભારે પરસેવો પાડ્યો હતો. આ સેશન દરમિયાન એક રસપ્રદ ક્ષણ જોવા મળી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનો સિક્સર મારવાનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે ઝારખંડના 24 વર્ષીય સ્થાનિક ફાસ્ટ બોલર રાજનદીપ સિંહે પોતાની શાનદાર બોલિંગથી ભારતીય બેટ્સમેનોને ભારે મુશ્કેલીમાં મૂક્યા હતા.
નેટ સેશનમાં સંજુ સેમસન અને ઈશાન કિશનને હંફાવ્યા
રાજનદીપે નેટ સેશન દરમિયાન ઈશાન કિશન, સંજુ સેમસન, તિલક વર્મા અને 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સામે પૂર્ણ લય અને આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરી હતી. તેણે પોતાની લાઈન-લેન્થથી બેટ્સમેનોને બીટ કર્યા હતા અને ઘણી વખત બેટની બહારની ધાર (Outside Edge) પણ કાઢી હતી. તેની આ ઘાતક બોલિંગ જોઈને ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ પણ તેના વખાણ કરવા મજબૂર બન્યા હતા.
રાજનદીપે શેર કર્યો અનુભવ, ધોની આદર્શ અને માર્ગદર્શક
ટીમ ઈન્ડિયાના દિગ્ગજોને બોલિંગ કરવાનો અનુભવ શેર કરતા રાજનદીપે જણાવ્યું કે, "સિનિયર ખેલાડીઓને બોલિંગ કરીને મને મારી ભૂલો સુધારવાની તક મળી. મને સમજાયું કે આ સ્તરે તમે જરાય ઢીલો બોલ ફેંકી શકો નહીં. સંજુ સર અને અન્ય બેટ્સમેનોએ મારી બોલિંગના ખૂબ વખાણ કર્યા હતા." રાજનદીપ સિંહ ક્રિકેટના મહાન ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના આદર્શ માને છે અને તેમની પાસેથી મેદાન પરની કુશળતા શીખે છે, જ્યારે ઝારખંડ ટીમના કેપ્ટન ઈશાન કિશનને પોતાનો માર્ગદર્શક (Mentor) માને છે.
પિતા ચલાવે છે સ્કૂલ બસ: રાજનદીપનો સંઘર્ષ
રાજનદીપ સિંહનો ક્રિકેટર બનવાનો માર્ગ આસાન નહોતો. તેના પિતા કુલવંત સિંહ પંજાબના જલંધરમાં સ્કૂલ બસ ચલાવે છે. 12મા ધોરણ પછી રાજનદીપે માત્ર ક્રિકેટ પર ધ્યાન આપવા અભ્યાસ છોડી દીધો હતો. વર્ષ 2016માં જ્યારે પરિવાર આર્થિક ટાંચણમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ક્રિકેટ છોડવાની અણી પર હતો. જોકે, તેણે પરિવાર પાસે 1 વર્ષનો સમય માગ્યો અને ઝારખંડની અંડર-16 ટીમમાં સ્થાન મેળવ્યું.
સપના પૂરા કરવા ઝારંખડમાં રોકાયો, રાજનદીપ
દાદીના અવસાન અને આર્થિક મુશ્કેલીઓને કારણે તેનો પરિવાર પરત જલંધર જતો રહ્યો, પરંતુ રાજનદીપે પોતાના સપના પૂરા કરવા ઝારખંડમાં જ રોકાવાનો નિર્ણય કર્યો. તેની આ મહેનતનું પરિણામ છે કે આજે 2 થી 3 IPL ફ્રેન્ચાઇઝીઓએ તેને ટ્રાયલ માટે આમંત્રણ આપ્યું છે.
CK નાયડુ ટ્રોફીમાં 400 રન અને ઓલરાઉન્ડર પ્રદર્શન
ઝારખંડની ક્રિકેટમાંથી ઉભરી આવેલો રાજનદીપ માત્ર બોલિંગ જ નહીં, પણ ધમાકેદાર બેટિંગ માટે પણ જાણીતો છે. ઐતિહાસિક 400 રન બનાવી લોકોનું ધ્યાન ખેંચ્યુ. સીકે નાયડુ ટ્રોફીમાં મેઘાલય સામે તેણે 387 બોલમાં અણનમ 400 રન ફટકારીને દેશભરના ક્રિકેટ સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું હતું. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન બનેલી ઝારખંડ ટીમનો તે મહત્વનો હિસ્સો હતો. તેણે ટુર્નામેન્ટની 8 મેચમાં 5 વિકેટ ઝડપી હતી અને 186+ ના સ્ટ્રાઇક રેટથી 200 રન પણ બનાવ્યા હતા. ઝારખંડ પ્રીમિયર લીગની 8 મેચોમાં તેણે 8 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : Vaibhav Sooryavanshiને કપિલ દેવની મોટી સલાહ, 'ક્રિકેટમાં ઘણા આવ્યા અને પછી ગાયબ થઈ ગયા'