ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં મોટો રોમાંચ જોવા મળ્યો. ન્યૂ ચંડીગઢમાં રમાયેલી મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને 351/7નો મોટો સ્કોર બનાવ્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝે શાઈ હોપની શાનદાર 162 રનની અણનમ ઇનિંગ્સના આધારે આ લક્ષ્ય 48.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે ભારતને 5 વિકેટે હરાવ્યું. જોકે, ભારતે સિરીઝ 2-1થી પોતાના નામે કરી.
શરૂઆતમાં ભારતને મોટો ઝટકો
ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શરૂઆત ભારત માટે સારી રહી નહોતી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો, જ્યારે વિરાટ કોહલી પોતાની પહેલી જ બોલ પર ખાતું ખોલ્યા વગર બોલ્ડ થયો. જેડન સીલ્સે ભારતને શરૂઆતમાં જ બે મોટા ઝટકા આપ્યા હતા. ત્યારબાદ રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડે ઇનિંગ્સ સંભાળી. બંને વચ્ચે 137 રનની મહત્વની ભાગીદારી થઈ. રોહિતે 85 બોલમાં 92 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા હતા. ઋતુરાજે 69 બોલમાં 57 રનની ઇનિંગ્સ રમી.
રાહુલે ફરી બતાવ્યો દમ
રોહિત અને ઋતુરાજ બાદ કેએલ રાહુલે ભારતની ઇનિંગ્સને મજબૂત બનાવી. તેણે માત્ર 87 બોલમાં અણનમ 129 રન ફટકાર્યા. તેની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા હતા. આ રાહુલની વનડે કારકિર્દીની 9મી સદી અને તેનો સૌથી મોટો વનડે સ્કોર રહ્યો. રાહુલની આ ઇનિંગ્સના કારણે ભારત 50 ઓવરમાં 351/7 સુધી પહોંચી શક્યું અને વેસ્ટ ઈન્ડિઝ સામે 352 રનનો પડકાર મૂક્યો.
હોપે આખી મેચ બદલી નાખી
352 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પણ સંપૂર્ણ રીતે સરળ નહોતી. પરંતુ શાઈ હોપે એક છેડો મજબૂત રીતે સંભાળી રાખ્યો. તેણે શાનદાર બેટિંગ કરતા 162 રનની અણનમ ઇનિંગ્સ રમી અને ભારતીય બોલિંગ સામે સતત બાઉન્ડ્રી ફટકારી. હોપને અન્ય બેટ્સમેનોનો પણ સારો સાથ મળ્યો. વેસ્ટ ઈન્ડિઝે જરૂરી રનરેટ જાળવી રાખીને અંતે 48.3 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય મેળવી લીધું.
ભારત સિરીઝ જીત્યું, વેસ્ટ ઈન્ડિઝે ક્લીન સ્વીપ અટકાવ્યો
આ હાર સાથે ભારતની આ સિરીઝમાં ક્લીન સ્વીપ કરવાની તક ગઈ. ભારતે પ્રથમ બે વનડે જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વાપસી કરીને અંતિમ મુકાબલો પોતાના નામે કર્યો અને સિરીઝનો અંત 2-1ના સ્કોર સાથે થયો. ભારત તરફથી રાહુલની 129 રનની અણનમ ઇનિંગ્સ અને રોહિતની 92 રનની ઇનિંગ્સ યાદગાર રહી, પરંતુ 351 રનનો સ્કોર પણ શાઈ હોપના તોફાની 162 રન સામે ઓછો પડ્યો.
આ પણ વાંચો: IND VS WI: ચાલુ મેચે ખેલાડીને X-ray માટે હોસ્પિટલ લઈ જવાયો, આંગળીમાં આવી ગંભીર ઈજા