ભારતીય ક્રિકેટ ટીમ થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વનડે ક્રિકેટમાં પરત ફરવા જઈ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની વનડે શ્રેણીની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે.પ્રથમ મુકાબલો તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.આ સીરિઝને લઈને સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને થઈ રહી છે.બંને અનુભવી બેટર ફરી વનડે ક્રિકેટમાં એકસાથે જોવા મળશે.ચાહકોને બંને પાસેથી મોટી ઇનિંગ્સની આશા છે.જોકે તિરુવનંતપુરમમાં વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર કોહલી અને રોહિત જ પડકાર નહીં. મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજા પણ કેરેબિયન ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
કોહલી-રોહિત પર રહેશે સૌની નજર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.આ મેચ પહેલા જ વિરાટ કોહલી અને રોહિત શર્માને લઈને ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.બંને બેટરોએ અગાઉના વનડે મુકાબલાઓમાં પોતાના અનુભવનો પરિચય આપ્યો છે. તેથી તેમની બેટિંગ પર સ્વાભાવિક રીતે જ સૌની નજર રહેશે. જો બંનેમાંથી કોઈ એક મોટી ઇનિંગ્સ રમે તો ભારતીય ટીમને તેનો ફાયદો થઈ શકે છે.પરંતુ ક્રિકેટ મેચ માત્ર બેટિંગથી જીતી શકાતી નથી. તિરુવનંતપુરમના મેદાન પર ભારતના અગાઉના વનડે રેકોર્ડને જોતા બોલરોની ભૂમિકા પણ મહત્વની રહી છે.
જાડેજાએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે કર્યો હતો કમાલ
ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતે અગાઉ 2018 અને 2023માં 2 વનડે મેચ રમી છે અને બંનેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી.2018માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ જ મેદાન પર વનડે મેચ રમાઈ હતી. ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ ક્રમને ભારે મુશ્કેલીમાં મૂક્યો હતો. કેરેબિયન ટીમ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ 4 વિકેટ ઝડપી હતી.ભારતે ત્યારબાદ માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું અને 9 વિકેટે જીત મેળવી હતી.
સિરાજે 2023માં શ્રીલંકા સામે મચાવ્યો હતો કહેર
2023માં ભારત અને શ્રીલંકા વચ્ચે આ મેદાન પર બીજી વનડે રમાઈ હતી.આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 390 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.ત્યારબાદ બોલિંગમાં મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાની ટીમે માત્ર 37 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી 4 વિકેટ મોહમ્મદ સિરાજના નામે હતી.આ આંકડા દર્શાવે છે કે તિરુવનંતપુરમની પરિસ્થિતિમાં ભારતીય ઝડપી અને સ્પિન બોલરોને મદદ મળી શકે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ફરી સિરાજ-જાડેજા પર નજર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડેમાં સિરાજ અને જાડેજા ભારતીય ટીમના મહત્વના બોલિંગ વિકલ્પ બની શકે છે.બંને ખેલાડીઓનો આ મેદાન પર અગાઉનો અનુભવ પણ સારો રહ્યો છે.વિરાટ કોહલી અને રોહિત શર્મા બેટિંગમાં ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે,પરંતુ જો ભારતને મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર દબાણ બનાવવું હશે તો બોલિંગ વિભાગની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે.હવે જોવાનું રહેશે કે તિરુવનંતપુરમમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજા ફરી એકવાર પોતાની અસર છોડી શકે છે કે નહીં.
આ પણ વાંચો - Suruchi Singh Gold Medal: કુસ્તીના દાવપેચ નહીં, બંદૂકથી થયો પ્રેમ, સુરુચિને ખુદ કો સાબિત કિયા...એશિયનમાં જીત્યો ગોલ્ડ