ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની T20I શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થયો હતો. હૈદરાબાદમાં રમાયેલી આ મેચની અંતિમ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમાર જોસેફનો ઝડપી બાઉન્સર અર્શદીપના ડાબા ખભા પાસે વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ અર્શદીપ ભારે દુખાવામાં જોવા મળ્યો હતો અને તેને મેદાન પર જ મેડિકલ મદદ આપવામાં આવી હતી. ભારતને અંતિમ ઓવરમાં જીતવા માટે 35 રનની જરૂર હતી અને ટીમની માત્ર 1 વિકેટ બાકી હતી. ઈજા છતાં અર્શદીપે બેટિંગ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુખાવાને કારણે તે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરે તેને મેદાન છોડવા કહ્યું હતું અને ભારતની ઇનિંગનો અંત આવ્યો હતો. 

સંજુ સેમસને અર્શદીપની ઈજા અંગે શું કહ્યું?

મેચ બાદ સંજુ સેમસને અર્શદીપની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યું કે અર્શદીપ ઈજાગ્રસ્ત ભાગ પર બરફ લગાવી રહ્યો છે. સેમસને આશા વ્યક્ત કરી હતી કે ફાસ્ટ બોલર ઝડપથી સ્વસ્થ થઈ જશે. સેમસને કહ્યું હતું કે અર્શદીપને ખૂબ જ ઝડપથી આવેલો બોલ વાગ્યો હતો અને તે જલદી સાજો થાય તેવી આશા છે. જોકે, ભારતીય ટીમ તરફથી તેની ઈજાની ગંભીરતા અંગે કોઈ વિગતવાર મેડિકલ અપડેટ આપવામાં આવ્યું નહોતું. આથી, અર્શદીપ પાંચમી અને અંતિમ T20Iમાં રમશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. 

ભારત માટે નિર્ણાયક મેચમાં અર્શદીપ કેમ મહત્વનો?

અર્શદીપ સિંહ ભારતીય ટીમના મુખ્ય ડાબોડી ફાસ્ટ બોલરોમાંથી એક છે. નવી બોલથી વિકેટ લેવા ઉપરાંત ડેથ ઓવર્સમાં તેની બોલિંગ પણ ટીમ માટે મહત્વપૂર્ણ છે. તેથી, જો તે આગામી મેચ માટે ઉપલબ્ધ ન હોય તો ભારતીય ટીમે બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડી શકે છે. ચોથી મેચમાં ભારતના બોલરો વેસ્ટ ઈન્ડિઝના બેટર્સને મોટા સ્કોરથી રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 3 વિકેટે 247 રન બનાવ્યા હતા. શાઈ હોપે અણનમ 102 રન ફટકાર્યા હતા, જ્યારે શેરફેન રધરફોર્ડે અણનમ 49 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની ટીમ 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 24 રનથી જીતીને શ્રેણી 2-2થી બરાબર કરી હતી. 

બેંગલુરુમાં શ્રેણીની ફાઇનલ, ભારતની નજર જીત પર

હવે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની પાંચમી અને નિર્ણાયક T20I મેચ 17 ઓક્ટોબર 2026ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમો શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. સંજુ સેમસને કહ્યું હતું કે ટીમ આગામી મેચ માટે ઉત્સાહિત છે અને શ્રેણી જીતવા માટે તૈયાર છે. ભારતે શરૂઆતમાં શ્રેણીમાં સરસ સ્થિતિ મેળવી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝે સતત બે મેચ જીતીને વાપસી કરી છે.

હવે ભારતીય ટીમ માટે અર્શદીપની ફિટનેસ મહત્વનો મુદ્દો રહેશે. જો તે સમયસર સ્વસ્થ થઈ જાય તો ટીમને બોલિંગમાં મોટો સહારો મળી શકે છે. જોકે, તેની ઉપલબ્ધતા અંગે અંતિમ નિર્ણય મેડિકલ મૂલ્યાંકન અને ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: Smriti Mandhana: કેપ્ટન બન્યા બાદ સ્મૃતિ મંધાનાએ પોતાની બેટિંગને લઈને આ શું કહ્યું...