ભારત સામેની પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે પોતાની બેટિંગથી ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હોપે 37 બોલમાં 52 રનની ઇનિંગ્સ રમી. આ સાથે T20 ઈન્ટરનેશનલમાં તેના 50+ સ્કોરની સંખ્યા 14 થઈ ગઈ છે. તે હવે બ્રાન્ડન કિંગ સાથે વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ 50+ સ્કોર કરનારા બેટર્સની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.

હોપના નામે હવે 14 વખત 50+ સ્કોર

શાઈ હોપે પોતાની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 140.54 રહ્યો. આ 52 રનની ઇનિંગ્સ દરમિયાન તેણે શેરફેન રધરફોર્ડ સાથે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. આ ભાગીદારીએ વેસ્ટ ઈન્ડિઝને ભારત સામે 171 રનનો સ્કોર બનાવવામાં મદદ કરી. હોપે અત્યાર સુધી 70 T20 ઈન્ટરનેશનલ મેચમાં 1,743 રન બનાવ્યા છે. તેના નામે 1 સદી અને 12 અડધી સદી છે. એટલે કે કુલ 14 વખત તેણે T20Iમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. 

ક્રિસ ગેલ હજુ પણ સૌથી આગળ

વેસ્ટ ઈન્ડિઝ માટે T20Iમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાના મામલે ક્રિસ ગેલ હજુ પણ ટોચ પર છે. ગેલે 16 વખત 50+ સ્કોર કર્યો છે. એવિન લુઈસ 15 વખત સાથે બીજા સ્થાને છે. હવે બ્રાન્ડન કિંગ અને શાઈ હોપ બંનેના નામે 14-14 50+ સ્કોર છે અને બંને સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. નિકોલસ પૂરન 13 50+ સ્કોર સાથે પાંચમા સ્થાને છે.

ભારત સામેની ODI સિરીઝમાં પણ શાનદાર ફોર્મ

શાઈ હોપ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ભારત સામેની 3 મેચની ODI સિરીઝમાં તેણે કુલ 278 રન બનાવ્યા હતા. ખાસ કરીને ત્રીજી ODIમાં તેણે અણનમ 162 રનની ઇનિંગ્સ રમીને વેસ્ટ ઈન્ડિઝને 352 રનનો લક્ષ્યાંક ચેઝ કરવામાં મદદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 5 વિકેટે જીતી હતી. હવે T20 ફોર્મેટમાં પણ હોપે પોતાની બેટિંગનું ફોર્મ જાળવી રાખ્યું છે. લખનઉમાં તેની અડધી સદી વેસ્ટ ઈન્ડિઝ માટે શરૂઆતની મેચમાં મહત્વપૂર્ણ રહી હતી.

આ સાથે શાઈ હોપે માત્ર અડધી સદી જ નહીં, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના T20I ક્રિકેટના રેકોર્ડ બુકમાં પોતાનું નામ પણ વધુ મજબૂત રીતે નોંધાવી દીધું છે.

આ પણ વાંચો:  T20 vs TEST: ઓછા સમયમાં વધુ કમાણીની લાલચે ટેસ્ટ છોડતા ખેલાડીઓ પર MCC વડાનું મોટું નિવેદન