ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. રાયપુરમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવ્યું હતું. ભારતે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 41 બોલમાં અણનમ 91 રન ફટકાર્યા, જ્યારે શેફાલી વર્માએ 37 બોલમાં 69 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 124 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી નંદની શર્માએ 3 વિકેટ લઈને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.
હરમનપ્રીત કૌરે 41 બોલમાં ફટકાર્યા 91 રન
ભારતે પહેલાં બેટિંગ કરતાં આક્રમક શરૂઆત કરી હતી. શેફાલી વર્મા અને અનુષ્કા શર્માએ પ્રથમ વિકેટ માટે 32 બોલમાં 54 રનની ભાગીદારી કરી હતી. અનુષ્કાએ 20 બોલમાં 28 રન બનાવ્યા હતા, જ્યારે શેફાલીએ 37 બોલમાં 69 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. શેફાલી આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે મોરચો સંભાળ્યો હતો. તેણે માત્ર 41 બોલમાં અણનમ 91 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. હરમનપ્રીતની આક્રમક બેટિંગના કારણે ભારતે છેલ્લી 5 ઓવરમાં 62 રન બનાવ્યા હતા અને સ્કોર 216 સુધી પહોંચાડ્યો હતો.
