ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ઇન્ડિયા Aની ટીમ માટે લાલ બોલના ક્રિકેટમાં શરૂઆત નિરાશાજનક રહી છે. લિંકનના બર્ટ સટક્લિફ ઓવલ મેદાન પર રમાઈ રહેલી પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનો ન્યૂઝીલેન્ડ Aના બોલરો સામે ટકી શક્યા નહોતા. ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ હતી. સૌથી ચોંકાવનારી વાત એ રહી કે ટીમના પાંચ બેટ્સમેનો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય બેટિંગના આ પ્રદર્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
KL રાહુલ અને સાઈ સુદર્શન શૂન્ય પર આઉટ
ન્યૂઝીલેન્ડ Aએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય બોલરોએ યોગ્ય સાબિત કર્યો હતો. ભારત તરફથી ઇનિંગની શરૂઆત કરવા આવેલા અનુભવી બેટ્સમેન KL રાહુલ માત્ર 8 બોલનો સામનો કરીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા.ત્યારબાદ ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા સાઈ સુદર્શન પણ નિષ્ફળ રહ્યા હતા. તેમણે 13 બોલ રમ્યા, પરંતુ એક પણ રન બનાવી શક્યા નહોતા. કેપ્ટન અને વિકેટકીપર ધ્રુવ જુરેલ પણ માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર, મુકેશ ચૌધરી અને આકાશ દીપ પણ શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓમાં સામેલ હતા. શરૂઆતના બેટ્સમેનોના સતત પતનને કારણે ભારતીય ટીમ દબાણમાંથી બહાર આવી શકી નહોતી.
https://x.com/ani_digital/status/2113833880583278761?s=20
યશ રાઠોડે સંભાળી ટીમની ઇનિંગ
ભારતીય ટીમનો સ્કોર એક સમયે અત્યંત મુશ્કેલ સ્થિતિમાં હતો. જોકે, યશ રાઠોડે નીચલા ક્રમે બેટિંગ કરવા આવીને સંઘર્ષપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 49 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા.યશ રાઠોડની આ ઇનિંગના કારણે ભારતીય ટીમનો સ્કોર 100 રનની પાર પહોંચ્યો હતો. તેની સાથે દેવદત્ત પડિક્કલે 32 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે યશસ્વી જયસ્વાલે 17 રન બનાવ્યા હતા. જોકે, અન્ય બેટ્સમેનો તરફથી નોંધપાત્ર યોગદાન ન મળતાં ટીમ મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.
સાઇમન કીનની ઘાતક બોલિંગ
ન્યૂઝીલેન્ડ A તરફથી સાઇમન કીને શાનદાર બોલિંગ કરતાં સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી. જેક ગિબ્સને પણ 3 વિકેટ લઈને ભારતીય બેટિંગને મોટો ફટકો આપ્યો હતો.ન્યૂઝીલેન્ડ Aના બોલરોએ શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર દબાણ જાળવી રાખ્યું હતું. પરિણામે ઇન્ડિયા Aની પ્રથમ ઇનિંગ માત્ર 113 રનમાં સમેટાઈ ગઈ હતી.હવે ભારતીય બોલરો સામે ન્યૂઝીલેન્ડ Aના બેટ્સમેનોને વહેલી તકે આઉટ કરીને મેચમાં વાપસી કરવાનો પડકાર રહેશે.આ બિનસત્તાવાર ટેસ્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન આગામી સેશનમાં કેવું રહે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો - Shreyas Iyer પાસે રોહિત શર્માનો રેકોર્ડ તોડવાની તક, માત્ર 25 રન દૂર