ઇન્ડિયા-A અને ન્યૂઝીલેન્ડ-A વચ્ચે રમાયેલી પ્રથમ અનૌપચારિક ટેસ્ટમાં ભારતીય ટીમની જીત વરસાદને કારણે હાથમાંથી સરકી ગઈ હતી.લિંકન ખાતે રમાયેલી આ મેચમાં ઇન્ડિયા-Aને જીત મેળવવા માટે માત્ર એક વિકેટની જરૂર હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે રમત ફરી શરૂ થઈ શકી નહોતી. પરિણામે ન્યૂઝીલેન્ડ-A સામેની આ મેચ ડ્રો રહી હતી.ભારતીય ટીમે યજમાન ટીમને 313 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ-Aએ 187 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી.જોકે, છેલ્લી વિકેટ ન પડતાં ભારતીય ટીમ જીતથી વંચિત રહી ગઈ હતી.
છેલ્લી વિકેટ પહેલાં જ વરસાદ બન્યો વિલન
ઇન્ડિયા-Aની ટીમ મેચમાં જીતની ખૂબ નજીક પહોંચી ગઈ હતી.ન્યૂઝીલેન્ડ-Aને જીતવા માટે 313 રન બનાવવાના હતા,પરંતુ ભારતીય બોલરોએ સતત વિકેટો લઈને યજમાન ટીમ પર દબાણ વધાર્યું હતું. 187 રનમાં 9 વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમને માત્ર એક સફળતાની જરૂર હતી.પરંતુ એ જ સમયે ખરાબ હવામાનને કારણે રમત અટકાવવી પડી હતી. ત્યારબાદ મેચ ફરી શરૂ થઈ શકી નહોતી અને અંતે અમ્પાયરોએ મુકાબલો ડ્રો જાહેર કર્યો હતો.આ રીતે જીતની નજીક પહોંચ્યા બાદ પણ ઇન્ડિયા-Aને સંતોષ માનવો પડ્યો હતો.
11મા નંબરના બેટરે ન્યૂઝીલેન્ડ-Aને બચાવી
ન્યૂઝીલેન્ડ-Aના 11મા નંબરના બેટર જેડન લેનોક્સે પણ પોતાની ટીમને હારથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 24 બોલનો સામનો કરીને 6 રન બનાવ્યા હતા. લેનોક્સે કર્ટિસ હીપી સાથે મળીને છેલ્લી વિકેટ માટે 17 રનની ભાગીદારી નોંધાવી હતી.આ બંને બેટરોએ મળીને 57 બોલનો સામનો કર્યો હતો. બીજી તરફ, કર્ટિસ હીપીએ શાનદાર ધીરજ બતાવીને 187 બોલમાં અણનમ 90 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગને કારણે ન્યૂઝીલેન્ડ-Aની ટીમ અંતિમ વિકેટ સુધી ટકી રહી હતી.ભારતીય બોલરો માટે છેલ્લી વિકેટ મેળવવી મુશ્કેલ બની રહી હતી. જોકે, અંતે ખરાબ હવામાનને કારણે મેચનું પરિણામ ડ્રો રહ્યું હતું.
પ્રથમ ઇનિંગમાં 113 રન, બીજી ઇનિંગમાં 516 રન
ઇન્ડિયા-A માટે આ મેચમાં બેટિંગની શરૂઆત સારી રહી નહોતી. ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં જોરદાર વાપસી કરીને 516 રન બનાવીને દાવ જાહેર કર્યો હતો.દેવદત્ત પડિક્કલે શાનદાર બેટિંગ કરતાં 248 બોલમાં 199 રન બનાવ્યા હતા. તે માત્ર એક રનથી બેવડી સદી ચૂકી ગયો હતો. સાઈ સુદર્શનએ 91 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જ્યારે યશ રાઠોડે 66 અને વોશિંગ્ટન સુંદરે 52 રનનું યોગદાન આપ્યું હતું.ભારતીય બેટરોની આ શાનદાર વાપસીએ મેચમાં ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બીજી ઇનિંગમાં 516 રન બનાવ્યા બાદ ઇન્ડિયા-Aએ ન્યૂઝીલેન્ડ-A સામે મોટો પડકાર ઊભો કર્યો હતો.
આ પણ વાંચો - Ranji Trophy : આયુષ બડોનીનો ઐતિહાસિક ધમાકો! સતત બીજી બેવડી સદી ફટકારી