ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર ફરી એકવાર મહામુકાબલો થવા જઈ રહ્યો છે. તાજેતરમાં અંડર-19 ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે તિલક વર્માની આગેવાની હેઠળની ઈન્ડિયા A ટીમની નજર પણ પાકિસ્તાનને હરાવવા પર છે. કતારમાં રમાઈ રહેલા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. આ મુકાબલામાં સૌથી વધુ નજર યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને પાકિસ્તાની બોલર અલી રઝા વચ્ચેની ટક્કર પર રહેશે.દોહામાં રમાનારી ગ્રુપ Bની આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે. ઈન્ડિયા Aએ નેપાળને 306 રનના વિશાળ અંતરથી હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. બીજી તરફ પાકિસ્તાન શાહીનસે UAEને 61 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટનો સૌથી રોમાંચક મુકાબલો થવાની અપેક્ષા છે.
અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર
ભારતીય ટીમની ઓપનિંગ જોડી અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. નેપાળ સામેની પ્રથમ મેચમાં બંને ખેલાડીઓ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. તેથી પાકિસ્તાન સામે તેઓ શાનદાર વાપસી કરવા ઇચ્છશે.અભિષેક શર્મા અગાઉ પણ પાકિસ્તાન સામે અનેક મહત્વપૂર્ણ મુકાબલા રમી ચૂક્યો છે. એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પણ તેણે પાકિસ્તાની ટીમનો સામનો કર્યો છે.બીજી તરફ વૈભવ સૂર્યવંશી અને પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝા વચ્ચેની ટક્કર ખાસ રસપ્રદ બની શકે છે. અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલમાં વૈભવે અલી રઝાની પ્રથમ ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, ત્યારબાદની ઓવરમાં અલી રઝાએ વૈભવને આઉટ કર્યો હતો. હવે આ બંને ખેલાડીઓ ફરી સામસામે હશે. વૈભવ આ વખતે મોટી ઇનિંગ રમીને પોતાની તાકાત બતાવવા ઇચ્છશે.
