ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20I સીરિઝ રમાઈ રહી છે. સીરિઝની યજમાની અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ કરી રહ્યું છે, જ્યારે તમામ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને સરળતાથી હરાવ્યું હતું. જોકે, પરિણામ સિવાય આ મેચમાં બીજી એક વાતે પણ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

મેદાનની તસવીર ઘણી સ્પષ્ટ જોવા મળી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ T20I દરમિયાન ટીવી પર મેદાનની તસવીર ઘણી સ્પષ્ટ જોવા મળી હતી. સામાન્ય રીતે દિલ્હીમાં ક્રિકેટ મેચ દરમિયાન ધુમ્મસ અથવા હવાની ગુણવત્તાને કારણે ટીવી પર મેદાનનું દૃશ્ય થોડું ધૂંધળું જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે ચાહકોને મેદાન, ખેલાડીઓ અને મેચના દરેક દૃશ્યની તસવીર વધુ સ્પષ્ટ જોવા મળી. આ પછી સોશિયલ મીડિયા પર સવાલ ઉઠવા લાગ્યો કે આખરે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એવું શું કર્યું, જેના કારણે મેચનું પ્રસારણ આટલું સારું જોવા મળ્યું?

કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો?

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવા પ્રમાણે,આ સીરિઝના પ્રોડક્શનમાં FIFA વર્લ્ડ કપ સ્તરની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રોડક્શન પાર્ટનર ITW Universe દ્વારા આ માટે આધુનિક પ્રોડક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ ટેકનોલોજીમાં લગભગ 30 કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો છે.આ ઉપરાંત AI આધારિત સ્ટેબિલાઇઝ્ડ POV કેમેરા પણ પ્રોડક્શનનો ભાગ છે.તેના કારણે દર્શકોને મેદાનની અંદરથી અલગ-અલગ એંગલથી દૃશ્યો જોવા મળે છે.T20 સીરિઝમાં અલ્ટ્રા-મોશન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેમેરા 600 fpsથી વધુ ઝડપે વીડિયો રેકોર્ડ કરી શકે છે. તેના કારણે બોલની ગતિ,બેટનો સંપર્ક અને મેદાન પર બનેલી મહત્વની ઘટનાઓને વધુ સ્પષ્ટ રીતે બતાવી શકાય છે.આ સિવાય સ્પાઇડરકેમ,ઓગમેન્ટેડ રિયાલિટી અને સિનેમેટિક સ્ટાઇલના કેમેરા શોટ્સનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ સમગ્ર પ્રોડક્શનને કારણે મેચનું ટીવી પ્રસારણ વધુ આધુનિક અને આકર્ષક બની રહ્યું છે.

https://x.com/ragav_x/status/2099173531200414191?s=20

BCCI પર પણ સવાલ ઉઠ્યા

મેચનું પ્રસારણ જોયા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક ક્રિકેટ ચાહકોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI પર પણ સવાલ ઉઠાવ્યા છે. ચાહકોનું કહેવું છે કે જ્યારે ભારત પોતાની યજમાનીમાં મેચ રમાડે છે ત્યારે પણ આવી આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ થવો જોઈએ.જોકે, આ દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે અને BCCIની પ્રોડક્શન વ્યવસ્થા સાથે તેની ખરેખર કેટલી સરખામણી થઈ શકે છે, તે અંગે હાલમાં કોઈ ચોક્કસ સત્તાવાર માહિતી સામે આવી નથી. તેથી સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાને સત્તાવાર હકીકત માનવી યોગ્ય નથી.

દિલ્હીની સાફ હવાનું પણ કારણ

મેચની તસવીર સ્પષ્ટ દેખાવા પાછળ માત્ર ટેકનોલોજી જ કારણ નથી.દિલ્હીમાં આ સમયગાળા દરમિયાન હવામાન પણ અગાઉની સરખામણીએ સાફ છે.ચોમાસા દરમિયાન હવામાં રહેલા પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું રહેતું હોવાથી મેદાનનું દૃશ્ય વધુ સ્પષ્ટ જોવા મળી શકે છે.આ ઉપરાંત અરુણ જેટલી સ્ટેડિયમમાં આ વખતે કેટલાક મોટા પાન મસાલાના જાહેરાત બોર્ડ પણ જોવા મળ્યા નથી.તેના કારણે ટીવી કેમેરાના દૃશ્યો વધુ સ્વચ્છ અને સરળ લાગ્યા હોવાનું પણ ચાહકોનું માનવું છે.આ રીતે આધુનિક કેમેરા ટેકનોલોજી,પ્રોડક્શનની ગુણવત્તા અને દિલ્હીના પ્રમાણમાં સાફ હવામાનના સંયોજનથી ભારત-અફઘાનિસ્તાન T20 સીરિઝનું પ્રસારણ ચાહકોને ખાસ પસંદ આવી રહ્યું છે.

આ પણ વાંચો - IND vs AFG 2nd T20I : દિલ્હીમાં ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે ટક્કર,કોણ મારશે બાજી?