ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર ચાલી રહેલો નો હેન્ડશેક વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની નીતિ અપનાવી છે. એશિયા કપ 2025 બાદ પણ આ સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ થયું હતું. હવે આ મામલે ક્રિકેટના નિયમો બનાવતી પ્રતિષ્ઠિત સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ એટલે કે MCCએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.MCCના ક્રિકેટ વિભાગના વડા ફ્રેઝર સ્ટુઅર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ખેલાડીઓ વચ્ચે હાથ મિલાવવા અંગે જો કોઈ ઉપરથી સૂચના આપવામાં આવે તો તેના પર MCCનું કોઈ નિયંત્રણ નથી. આ નિવેદન બાદ ભારત-પાકિસ્તાનના નો હેન્ડશેક વિવાદે ફરી ચર્ચા જગાવી છે.
ભારત-Aના કેપ્ટને ટોસ વખતે પણ ન મિલાવ્યો હાથ
રવિવાર, 22 નવેમ્બરે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026માં ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં પણ ભારતીય ટીમની નો હેન્ડશેક નીતિ જોવા મળી હતી.મેચ દરમિયાન ટોસ માટે મેદાન પર આવેલા ભારત-Aના કેપ્ટન તિલક વર્માએ પાકિસ્તાન-Aના કેપ્ટન અબ્દુલ સમદ સાથે હાથ મિલાવ્યો નહોતો. આ ઘટનાએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોની ચર્ચા શરૂ કરી દીધી હતી.નોંધનીય છે કે ભારતીય ટીમે એશિયા કપ 2025થી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની નીતિ અપનાવી છે.
MCCએ પહેલીવાર શું કહ્યું?
MCCના ક્રિકેટ વિભાગના વડા ફ્રેઝર સ્ટુઅર્ટે આ વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કેટલીક ઘટનાઓ ક્રિકેટની રમતથી પણ આગળની હોય છે. આવી બાબતો પર નિવેદન આપવું તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી.તેમણે જણાવ્યું કે MCC માત્ર એટલું સુનિશ્ચિત કરવા માગે છે કે ખેલાડીઓ એકબીજાનું સન્માન કરે, અમ્પાયરો અને તેમના નિર્ણયોને માન આપે તથા ક્રિકેટની રમતનું ગૌરવ જાળવે.ફ્રેઝર સ્ટુઅર્ટે આ નિવેદન વર્લ્ડ ILT20 લીગ દરમિયાન આપ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ક્રિકેટની ભાવના એટલે કે 'સ્પિરિટ ઓફ ક્રિકેટ'ને પ્રોત્સાહન આપવા માટે MCCએ ILT20 સાથે ભાગીદારી કરી છે.
'હાથ મિલાવવા અંગેના નિર્ણય પર અમારું નિયંત્રણ નથી'
ફ્રેઝર સ્ટુઅર્ટે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જો ખેલાડીઓને હાથ મિલાવવા અંગે ઉપરથી કોઈ સૂચના આપવામાં આવે છે તો તે MCCના નિયંત્રણની બહારની બાબત છે.તેમણે કહ્યું કે MCC ખેલાડીઓ વચ્ચે હાથ મિલાવવાની પરંપરા જળવાઈ રહે તે જોવા માગશે, પરંતુ આ મામલે કેટલાક મોટા મુદ્દાઓ છે, જે તેમના નિયંત્રણની બહાર છે.MCCના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સંસ્થા ખેલાડીઓ વચ્ચે પરસ્પર સન્માન અને રમતની ભાવનાને મહત્વ આપે છે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજકીય અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી.
શું છે નો હેન્ડશેક વિવાદ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની અસર ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહી છે. એશિયા કપ 2025થી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય લીધો હતો.ત્યારથી બંને દેશો વચ્ચેની મેચોમાં ટોસથી લઈને મેચ પૂરી થયા બાદ સુધી હાથ મિલાવવાની પરંપરા જોવા મળી નથી. હવે રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં પણ આ નીતિ યથાવત્ રહેતાં ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો- Jasprit Bumrahની એક ભૂલ પડી શકે છે ભારે! અમ્પાયરની ચેતવણી બાદ સસ્પેન્શનનું જોખમ!