શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ભારતીય ક્રિકેટ ટીમને મેચની શરૂઆત પહેલાં જ મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં આજથી શરૂ થયેલી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચના પહેલા દિવસે રમી રહ્યો નથી. ગિલની ગેરહાજરીમાં કે.એલ. રાહુલ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે. શ્રીલંકા ક્રિકેટ ઇલેવન (SLC XI) સામે કોલંબોના NCC ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચમાં યજમાન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કેપ્ટન શુભમિન ગિલ ઇજાગ્રસ્ત, મેચમાંથી બહાર

ગુરુવારે ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન ગિલ સાથે દુર્ઘટના ઘટી હતી. પ્રથમ ઈજા નેટ્સમાં બેટિંગ કરતી વખતે એક બોલ સીધો તેના જમણા અંગૂઠા પર વાગ્યો હતો, જેના કારણે તે દુખાવા સાથે મેદાન બહાર ગયો હતો અને મેડિકલ ટીમે તેને આઈસ પેકથી સારવાર આપી હતી. થોડા સમય બાદ જ્યારે તે ફરી બેટિંગ માટે આવ્યો, ત્યારે તેના હાથની રિંગ ફિંગર (અનામિકા આંગળી) પર ફરી બોલ વાગ્યો હતો. આ પછી તે પ્રેક્ટિસ સેશનમાં પાછો ફરી શક્યો નહોતો.

BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ગિલ

BCCIએ ગિલની ઈજા અંગે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રેક્ટિસ દરમિયાન તેના જમણા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ છે. સાવચેતીના ભાગરૂપે તેને પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બહાર રાખવામાં આવ્યો છે. તે આ મેચના બાકીના દિવસોમાં રમશે કે નહીં તેનો નિર્ણય મેડિકલ ટીમના ફિટનેસ રિપોર્ટ બાદ લેવામાં આવશે.

ભારતીય ટીમમાં ઈજાઓનો સિલસિલો

ભારતીય ટીમ માટે ખેલાડીઓની ઈજા સતત ચિંતાનો વિષય બની છે. છેલ્લા આઠ મહિનામાં ટીમના લગભગ 10 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આ પહેલા ઈંગ્લેન્ડમાં પગમાં ખેંચાણ અને તે પૂર્વે કોલકાતા ટેસ્ટ દરમિયાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ચૂક્યો છે. ત્રીજા નંબરે બેટિંગ કરતા સાઈ સુદર્શન રમવા અંગે પણ આશંકા છે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા પણ તાજેતરમાં ઈજાની સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે.


આ પણ વાંચો : Team India શ્રીલંકા ટેસ્ટ મિશન શરૂ, જાણો કેવી રીતે અને ક્યારે જોઈ શકશો લાઈવ?