ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે એશિયા કપ 2026ના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને શાનદાર જીત મેળવી છે.ઓમાનમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે છેલ્લી બોલે ચોગ્ગો ફટકારીને 1 વિકેટે જીત મેળવી હતી.આ સાથે ભારતીય ટીમે 9મી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.ભારતની આ ઐતિહાસિક જીતથી દેશભરમાં ખુશીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.તેમણે સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
છેલ્લી ઘડીએ ભારતે મારી બાજી
ખાસ વાત એ છે કે ભારતીય ટીમે પાકિસ્તાન સામે ડિસેમ્બર 2025માં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ફાઇનલમાં એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ યુવા ખેલાડીઓએ હાર ન માની અને છેલ્લી ઘડીએ મેચનું પરિણામ બદલી નાખ્યું હતું.
PM મોદીએ ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન
ભારતીય ટીમની આ શાનદાર જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાની ખુશી વ્યક્ત કરતા રોકી શક્યા નહોતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી હતી.પીએમ મોદીએ લખ્યું હતું કે ભારતીય ક્રિકેટ માટે આ શાનદાર દિવસ છે. મેન્સ અંડર-19 એશિયા કપ 2026 જીતવા બદલ યુવા ક્રિકેટરો પર ગર્વ છે. તેમનું પ્રભાવશાળી પ્રદર્શન અને સફળતા દેશના અનેક યુવાનોને પ્રેરણા આપશે. તેમણે ટીમને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.પીએમ મોદીના આ સંદેશ બાદ ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો
https://x.com/narendramodi/status/2121605680213930064?a=hWkJnm72Q2Pq_vaTg-A&s=20
વીરેન્દ્ર સહેવાગે પુત્ર આર્યવીર સહિત આખી ટીમને આપી શુભેચ્છા
આ ફાઇનલમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.ઓપનિંગ કરવા ઉતરેલા આર્યવીરે 58 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી હતી.આર્યવીરનું સમગ્ર ટૂર્નામેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતું. તેણે સૌથી વધુ 361 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.પુત્રના પ્રદર્શનથી ખુશ થયેલા વીરેન્દ્ર સહેવાગે પણ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા. જોકે, તેમણે માત્ર પોતાના પુત્રની જ પ્રશંસા કરી નહોતી, પરંતુ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનારા તમામ ખેલાડીઓને બિરદાવ્યા હતા.
https://x.com/virendersehwag/status/2121598573880230234?a=lyCp4piyKvFwQcWsitQ&s=20
સહેવાગે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ કેવી શાનદાર મેચ હતી અને અંત પણ એટલો જ અદ્ભુત રહ્યો. પાકિસ્તાન સામે 338 રનના લક્ષ્યનો પીછો કરીને જીત મેળવવી ખરેખર ટીમના અદભુત આત્મવિશ્વાસનું પ્રતીક છે. તેણે કેપ્ટન લક્ષ્યની 80 રનની ઇનિંગ, આર્યવીરના 58 રન અને અંતિમ સમયે મનલ ચૌહાણ તથા મોહિત ઉલ્વાના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી હતી.
છેલ્લી બોલે ચોગ્ગો ફટકારીને ભારતે જીત્યો ખિતાબ
ફાઇનલ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 252 રન સુધીમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે ભારતની હાર નિશ્ચિત લાગી રહી હતી.પરંતુ મોહિત ઉલ્વા અને મનલ ચૌહાણે હાર સ્વીકારવાને બદલે શાનદાર વાપસી કરાવી હતી. અંતિમ બોલે ભારતને જીતવા માટે ચોગ્ગાની જરૂર હતી અને મોહિત ઉલ્વાએ ચોગ્ગો ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી.આ રીતે ભારતીય યુવા ટીમે પાકિસ્તાનને હરાવીને નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો હતો
આ પણ વાંચો - IND vs NZ : 27 વર્ષના બોલરની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, ન્યૂઝીલેન્ડ સામે મળશે મોટી જવાબદારી!