ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા અંડર-19 એશિયા કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 5થી 14 નવેમ્બર દરમિયાન ઓમાનમાં રમાનારી આ ટૂર્નામેન્ટ માટે 15 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે. આ ટીમની કમાન લક્ષ્ય રાયચંદાનીને સોંપવામાં આવી છે, જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણને ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, ભારતના બે દિગ્ગજ ક્રિકેટરો રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગના દીકરાઓને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. અન્વય દ્રવિડ અને આર્યવીર સેહવાગ હવે અંડર-19 એશિયા કપમાં પોતાની પ્રતિભા બતાવતા જોવા મળશે.
દ્રવિડ અને સેહવાગના દીકરાઓની ટીમમાં એન્ટ્રી
અંડર-19 એશિયા કપ 2026 માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓના દીકરાઓનો સમાવેશ થયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને મુખ્ય કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડના દીકરા અન્વય દ્રવિડને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ, પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીર સેહવાગને પણ 15 સભ્યોની ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ બંને યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રતિભા બતાવવાની સારી તક રહેશે.
લક્ષ્ય રાયચંદાનીને સોંપાઈ ટીમની કમાન
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં લક્ષ્ય રાયચંદાનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણને ઉપકપ્તાનની જવાબદારી આપવામાં આવી છે.આ ટૂર્નામેન્ટમાં એશિયાની કુલ 8 ટીમો ભાગ લેશે. ભારતને ગ્રુપ-Aમાં પાકિસ્તાન, નેપાળ અને UAE સાથે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ-Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મલેશિયાની ટીમો સામેલ છે.
https://x.com/BCCI/status/2116093290433085611?a=idct_h7k3lUili5jig8&s=20
8 નવેમ્બરે પાકિસ્તાન સામે ટક્કર
ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત નેપાળ સામેની મેચથી કરશે. ત્યારબાદ ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે પણ થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પર ક્રિકેટ ચાહકોની ખાસ નજર રહેશે.બંને ગ્રુપમાંથી ટોચના 2 સ્થાને રહેનારી ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ મેચો 12 નવેમ્બરે રમાશે, જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે.
અંડર-19 એશિયા કપ માટે ભારતીય ટીમ
લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન),આર્યવીર સેહવાગ,વી.કે. વિનીત,યશવર્ધન સિંહ ચૌહાણ (ઉપકપ્તાન),કુશાગ્ર ઓઝા,અર્જુન રાજપૂત,મનાલ ચૌહાણ,અન્વય દ્રવિડ (વિકેટકીપર),રજત બઘેલ (વિકેટકીપર),વી. યશવીર,આર્યન સવસાની,મોહિત ઉલ્વા,કાવ્યા પટેલ,શવિન વિનોદ,ઈશાન સૂદ
આ પણ વાંચો - IND vs NZ 4th T20I : ટીમ ઈન્ડિયાની કારમી હાર, ન્યુઝીલેન્ડે 87 રને હરાવ્યું