ભારતીય ક્રિકેટ ટીમ હવે જાપાન સામે એક ઐતિહાસિક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. ભારત અને જાપાન વચ્ચેની આ મેચ 22 સપ્ટેમ્બર 2026ના રોજ જાપાનના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ બંને ટીમો વચ્ચે પુરુષ ક્રિકેટમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મુકાબલો હશે. BCCI અનુસાર આ મેચ ભારત-જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી સાથે પણ જોડાયેલી છે.આ ઐતિહાસિક મેચ પહેલાં જાપાનના કેપ્ટન કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગે પોતાની ટીમની લાગણીઓ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારત જેવી મોટી ક્રિકેટ ટીમ સામે રમવાની તક જાપાનના ખેલાડીઓ માટે ખૂબ ખાસ છે અને આ મુકાબલો દેશના ક્રિકેટના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે.
ભારત સામે રમવાનું સપનું સાકાર થયું
જાપાન ક્રિકેટ એસોસિએશનના CEO નાઓકી એલેક્સ મિયાજીએ અગાઉ ભારતને જાપાનમાં રમવા માટે આમંત્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે આ વિચાર વાસ્તવિકતા બની ગયો છે. જાપાનના કેપ્ટન કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગે જણાવ્યું કે જ્યારે જાપાનને એશિયન ગેમ્સની યજમાની મળવાની વાત સામે આવી ત્યારે ભારત સામે મેચ રમાડવાનો વિચાર કરવામાં આવ્યો હતો.કાડોવાકી-ફ્લેમિંગે ક્રિકબઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આયોજન સાથે જોડાયેલા ઘણા લોકો માટે આ ક્ષણ ખૂબ ખાસ છે. તેમણે કહ્યું કે જાપાનની પુરુષ ટીમ આ મેચ માટે ખૂબ ઉત્સાહિત છે.
ભારત સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય મુકાબલો
આ મેચ જાપાનના ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે BCCIના જણાવ્યા અનુસાર ભારત અને જાપાનની પુરુષ ટીમો પ્રથમ વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આમને-સામને થશે.મેચ સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે અને ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થવાની છે.જાપાનના કેપ્ટનનું માનવું છે કે ભારત સામે રમવાથી તેમની ટીમને ઘણું શીખવા મળશે.તેમના અનુસાર,આવી મેચ જાપાનમાં ક્રિકેટ તરફ લોકોનું ધ્યાન વધારવામાં મદદ કરી શકે છે અને દેશના ક્રિકેટના વિકાસને પણ વેગ મળી શકે છે.
ભારતીય ખેલાડીઓ સામે પડકાર
ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ,અભિષેક શર્મા,શ્રેયસ અય્યર સહિતના ખેલાડીઓનો સમાવેશ છે. BCCI દ્વારા જાહેર કરાયેલી અપડેટેડ ટીમમાં શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે,જ્યારે અભિષેક શર્મા,સંજુ સેમસન,ઈશાન કિશન,તિલક વર્મા,અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર,રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પણ સામેલ છે.
એશિયન ગેમ્સમાં પણ થશે મુકાબલો
ભારત અને જાપાનની ટીમો આ મેચ બાદ એશિયન ગેમ્સમાં પણ રમવાની છે. BCCIના જણાવ્યા અનુસાર ભારત એશિયન ગેમ્સની પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ તબક્કાથી પોતાના અભિયાનની શરૂઆત કરશે અને તેની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે નિર્ધારિત છે.આ કારણે ભારત સામેની 22 સપ્ટેમ્બરની મેચ જાપાન માટે માત્ર એક ઐતિહાસિક મુકાબલો નહીં પરંતુ એશિયન ગેમ્સ પહેલાં પોતાની તૈયારી ચકાસવાની તક પણ બની શકે છે.ભારત માટે પણ આ મેચ ખાસ છે, કારણ કે બંને દેશોની ટીમો પ્રથમ વખત પુરુષોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સામસામે આવી રહી છે. બીજી તરફ, જાપાન માટે વિશ્વની ટોચની ક્રિકેટ ટીમોમાંની એક સામે રમવું દેશમાં રમતને વધુ લોકપ્રિય બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રસંગ બની શકે છે.
આ પણ વાંચો - Rohit Sharma-Virat Kohliની હવે જરૂર નથી? દિગ્ગજ ખેલાડીના દાવાએ ફેન્સને ચોંકાવ્યા