વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 શ્રેણી બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસની શરૂઆત 5 મેચની T20I શ્રેણીથી થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ 16 સભ્યોની મજબૂત ટીમ પસંદ કરી છે. શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્મા ઉપ-કેપ્ટનની જવાબદારી સંભાળશે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચ 22 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં વાપસી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી ટીમમાં સૌથી મોટી ચર્ચા અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસીની છે. લાંબા સમય બાદ ભુવનેશ્વરને T20I ટીમમાં સ્થાન મળ્યું છે. સ્થાનિક ક્રિકેટ અને IPLમાં તેમના પ્રદર્શન બાદ તેમની ટીમ ઈન્ડિયામાં વાપસીની ચર્ચા ચાલી રહી હતી. હવે પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ જેવી પરિસ્થિતિમાં તેમના અનુભવનો લાભ લેવાનો નિર્ણય કર્યો છે.

યુવા ખેલાડીઓ પર પણ પસંદગીકારોનો વિશ્વાસ

ટીમમાં યુવા પ્રતિભાઓને પણ પૂરતું સ્થાન આપવામાં આવ્યું છે. વૈભવ સૂર્યવંશી, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર જેવા ખેલાડીઓ ટીમનો ભાગ બન્યા છે. વૈભવ સૂર્યવંશી છેલ્લા કેટલાક સમયથી પોતાના આક્રમક બેટિંગ પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. બીજી તરફ મયંક યાદવની ઝડપી બોલિંગ પર પણ ટીમ મેનેજમેન્ટની નજર રહેશે.બેટિંગ વિભાગમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન અને તિલક વર્મા જેવા વિકલ્પો છે. સંજુ સેમસન અને ઈશાન કિશન વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ છે. આ ખેલાડીઓની આક્રમક બેટિંગ ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ભારત માટે મહત્વની બની શકે છે.

https://x.com/BCCI/status/2107491221421883696?s=20

ઓલરાઉન્ડરો આપશે ટીમને સંતુલન

ટીમમાં અક્ષર પટેલ, શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી જેવા ઓલરાઉન્ડરોનો સમાવેશ થયો છે. આ ખેલાડીઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે. જેના કારણે ટીમનું સંતુલન વધુ મજબૂત બને છે.સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી મુખ્ય વિકલ્પ રહેશે. ખાસ કરીને વરુણ ચક્રવર્તીની વાપસી પણ મહત્વની છે. ન્યૂઝીલેન્ડની પિચો પર પેસ બોલિંગની સાથે સ્પિનરોની ભૂમિકા પણ નિર્ણાયક બની શકે છે.

પેસ આક્રમણમાં અનુભવ અને યુવાનોનું મિશ્રણ

ફાસ્ટ બોલિંગ વિભાગમાં અર્શદીપ સિંહ, મયંક યાદવ, પ્રિન્સ યાદવ અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થયો છે. અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક સમયથી T20 ફોર્મેટમાં ભારતના મહત્વના બોલર રહ્યા છે. મયંક યાદવની ઝડપ અને ભુવનેશ્વર કુમારનો અનુભવ ભારતના પેસ આક્રમણને અલગ પ્રકારનું સંતુલન આપશે.

5 મેચની શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20I 22 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. બીજી મેચ પણ 24 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં યોજાશે. ત્રીજી T20I 27 ઓક્ટોબરે વેલિંગ્ટનમાં, ચોથી મેચ 30 ઓક્ટોબરે ઓકલેન્ડમાં અને પાંચમી તથા અંતિમ મેચ 1 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે.

આ પણ વાંચો - India Women Cricket: મંધાના કેપ્ટન, શેફાલી-દીપ્તિ વાઇસ કેપ્ટન, ઝિમ્બાબ્વે સામે ટીમ જાહેર