ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વનડે સિરીઝનો પ્રારંભ 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં થશે.લાંબા વિરામ બાદ ભારતીય ટીમ ફરી વનડે ક્રિકેટમાં ઉતરશે.આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પર નજર રહેશે,જ્યારે રવીન્દ્ર જાડેજા પણ લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરશે.શ્રેયસ અય્યર આ સિરીઝનો ભાગ ન હોવાથી ઋતુરાજ ગાયકવાડને નંબર-4 પર તક મળી શકે છે.બીજી તરફ જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પણ આ સિરીઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે.પ્રથમ વનડેમાં ભારતીય ખેલાડીઓની નજર માત્ર જીત પર જ નહીં,પરંતુ કેટલાક મોટા વ્યક્તિગત રેકોર્ડ પર પણ રહેશે.વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા અને રોહિત શર્મા ખાસ સિદ્ધિની નજીક છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીની 10મી સદી
વિરાટ કોહલીનો વેસ્ટ ઈન્ડિઝ સામેનો વનડે રેકોર્ડ શાનદાર રહ્યો છે.અત્યાર સુધી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 41 વનડે ઇનિંગ્સમાં 9 સદી ફટકારી છે.આ આંકડા સાથે તે આ ટીમ સામે સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટર છે.હવે કોહલી પાસે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવવાની તક છે.જો પ્રથમ વનડેમાં તે સદી ફટકારે છે,તો વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 10 સદી ફટકારનાર પ્રથમ બેટર બની જશે.વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વનડે સદીના મામલે બાબર આઝમ 5 સદી સાથે બીજા ક્રમે છે.તેથી કોહલીની 10મી સદીની શક્યતા આ મેચને વધુ ખાસ બનાવે છે.
રવીન્દ્ર જાડેજા સૌથી વધુ વિકેટ લેનાર બની શકે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 142 વનડે મેચ રમાઈ છે.બંને ટીમો વચ્ચેની વનડે મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવીન્દ્ર જાડેજા અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ કોર્ટની વોલ્શ હાલમાં 44-44 વિકેટ સાથે બરાબરી પર છે.પ્રથમ વનડેમાં જાડેજા એક વિકેટ લેતાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતના સૌથી વધુ વિકેટ લેનારા બોલર બની જશે.આ ઉપરાંત સમગ્ર સિરીઝ દરમિયાન જાડેજા પાસે વધુ એક મોટી સિદ્ધિ મેળવવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 50 વિકેટ પૂરી કરવા માટે તેને વધુ 6 વિકેટની જરૂર છે. જો તે આ સિદ્ધિ હાંસલ કરે છે, તો વેસ્ટ ઈન્ડિઝ સામે 50 વનડે વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની શકે છે.
રોહિત શર્મા 2000 ચોગાની નજીક
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી સિદ્ધિની નજીક છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 20 ખેલાડીઓ 2000 કે તેથી વધુ ચોગા ફટકારી ચૂક્યા છે.ભારતના 5 બેટર આ યાદીમાં સામેલ છે અને હવે રોહિત શર્મા પણ આ ક્લબમાં જોડાવાની નજીક છે. રોહિતે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1982 ચોગા ફટકાર્યા છે. એટલે 2000 ચોગા પૂરા કરવા માટે તેને વધુ 18 ચોગાની જરૂર છે.એક જ વનડેમાં 18 ચોગા ફટકારવા મુશ્કેલ પડકાર છે, પરંતુ રોહિત અગાઉ એક ઇનિંગ્સમાં 20થી વધુ ચોગા ફટકારી ચૂક્યો છે. તેથી તેની પાસે આ સિરીઝ દરમિયાન આ ઐતિહાસિક આંકડો પાર કરવાની તક રહેશે.ભારત-વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ વનડેમાં આ ત્રણેય રેકોર્ડ પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. કોહલીની 10મી સદી,જાડેજાની વિકેટનો રેકોર્ડ અને રોહિતના 2000 ચોગા ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ વ્યક્તિગત સિદ્ધિઓ બની શકે છે.
આ પણ વાંચો - Asian games 2026: નેપાળ-જાપાન મેચ રદ, હવે ક્વાર્ટર ફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ભારત