ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20I શ્રેણી હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. રાંચીમાં રમાયેલી બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 6 વિકેટે હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી દીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી T20 મેચ આજે ઇન્દોરમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમ જીત મેળવીને શ્રેણીમાં ફરી સરસાઈ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં 2 મોટા ફેરફાર જોવા મળી શકે છે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઇન્દોરમાં ત્રીજી T20I

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ આજે સાંજે 7:00 વાગ્યે ઇન્દોરમાં રમાશે. રાંચીમાં રમાયેલી બીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરીને ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું.ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 249 રન બનાવ્યા હતા. જોકે, વેસ્ટ ઇન્ડિઝે આ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં 6 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ ત્રીજી મેચમાં પોતાની ભૂલો સુધારીને વાપસી કરવા માગશે.

સંજુ સેમસન અને ઈશાન કિશનની શાનદાર બેટિંગ

બીજી T20 મેચમાં ભારતને અભિષેક શર્મા અને સંજુ સેમસને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ માત્ર 4 ઓવરમાં 42 રન ઉમેર્યા હતા. અભિષેક શર્મા 20 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં 82 રન બનાવ્યા હતા.ત્યારબાદ ઈશાન કિશને પણ 43 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તેણે સંજુ સાથે મળીને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરોમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 40 રન અને તિલક વર્માએ અણનમ 44 રન બનાવીને ભારતનો સ્કોર 249 સુધી પહોંચાડ્યો હતો.પરંતુ વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાઈ હોપે અણનમ 102 રન અને શેરફેન રધરફોર્ડે 84 રનની તોફાની ઇનિંગ રમી હતી. બંનેની બેટિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝે આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

અક્ષર પટેલના સ્થાને નીતિશ કુમાર રેડ્ડીને તક મળશે?

ત્રીજી મેચ પહેલાં ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા ચર્ચાઈ રહી છે. અક્ષર પટેલને બીજી મેચમાં અપેક્ષા મુજબ સફળતા મળી નહોતી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ તેમને આરામ આપવાનો નિર્ણય લઈ શકે છે.જો અક્ષર પટેલને આરામ આપવામાં આવે તો તેમની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડીને તક મળી શકે છે. રેડ્ડી બેટિંગની સાથે ઝડપી બોલિંગનો વિકલ્પ પણ પૂરો પાડી શકે છે. જોકે, અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ જ લેશે.

મયંક યાદવના સ્થાને પ્રિન્સ યાદવને તક મળી શકે

ઝડપી બોલિંગ વિભાગમાં પણ ફેરફારની શક્યતા છે. મયંક યાદવે બીજી મેચમાં 3 વિકેટ લઈને સારો દેખાવ કર્યો હતો. તેમ છતાં, ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓના કાર્યભારને ધ્યાનમાં રાખીને તેમને આરામ આપવાનું વિચારી શકે છે.આવી સ્થિતિમાં પ્રિન્સ યાદવને આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળી શકે છે

ભારતની સંભવિત પ્લેઇંગ-11

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નમન ધીર, અક્ષર પટેલ અથવા નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, શિવમ દુબે, કુલદીપ યાદવ, મયંક યાદવ અથવા પ્રિન્સ યાદવ

આ પણ વાંચો - World Champions of Legendsમાં ઉથ્થપાનું તોફાન, 248.39ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા રન