ભારતીય ક્રિકેટ ટીમ હવે વનડે ક્રિકેટમાં મેદાન પર ઉતરવાની તૈયારી કરી રહી છે.વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે પહેલા 3 મેચની વનડે સિરીઝ રમાશે.ત્યારબાદ 5 મેચની T20I સિરીઝ રમાશે.વનડે સિરીઝની ખાસ વાત એ છે કે તેમાં ભારતના દિગ્ગજ બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ રમતા જોવા મળશે.ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં રહેશે.ચાહકો માટે આ સિરીઝ ખાસ રહેવાની છે,કારણ કે રોહિત અને વિરાટ લાંબા સમય બાદ ભારતીય ધરતી પર વનડે મેચ રમતા જોવા મળશે.

27 સપ્ટેમ્બરથી શરૂ થશે વનડે સિરીઝ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની વનડે સિરીઝની શરૂઆત 27 સપ્ટેમ્બરથી થશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાશે.ત્યારબાદ બંને ટીમો વચ્ચે બીજી વનડે 30 સપ્ટેમ્બરે ગૌહાટીમાં રમાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે 3 ઓક્ટોબરે ન્યૂ ચંડીગઢમાં રમાશે.

રોહિત અને વિરાટ પર રહેશે ખાસ નજર

રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્યત્વે વનડે ફોર્મેટમાં જ જોવા મળે છે. તેથી બંને દિગ્ગજ ખેલાડીઓ જ્યારે મેદાન પર ઉતરે છે ત્યારે ચાહકોની નજર તેમના પ્રદર્શન પર રહે છે.ઈંગ્લેન્ડ સામેની સિરીઝ બાદ હવે બંને ખેલાડીઓ ફરી એક વખત વનડે ક્રિકેટમાં જોવા મળશે. આ વખતે ખાસ વાત એ છે કે ભારત પોતાની ધરતી પર રમશે.

એશિયન ગેમ્સના કારણે ટીમમાં જોવા મળશે ફેરફાર

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ દરમિયાન ભારતની એક ટીમ એશિયન ગેમ્સ 2026માં પણ રમતી હશે. એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ ક્રિકેટ ટીમ T20 ફોર્મેટમાં ભાગ લઈ રહી છે અને ટીમની કમાન શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે.એશિયન ગેમ્સની ટીમ અલગ હોવાથી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે ટીમમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ત્યારબાદ T20 સિરીઝ શરૂ થાય તે પહેલાં એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમ જાપાનથી પરત ફરશે.

ભારતની વનડે ટીમ

શુભમન ગિલ કેપ્ટન, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ ઉપકપ્તાન, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, મોહમ્મદ સિરાજ, ઔકિબ નબી, યશસ્વી જયસ્વાલ અને નમન ધીર.

વેસ્ટ ઈન્ડિઝની વનડે ટીમ

વેસ્ટ ઈન્ડિઝની ટીમની કમાન શાઈ હોપ સંભાળશે. ટીમમાં જ્વેલ એન્ડ્ર્યુ, જ્હોન કેમ્પબેલ, કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, આમિર જાંગુ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, વિટેલ લોજ, ગુડાકેશ મોતી, કીમો પોલ, શેરફેન રધરફોર્ડ અને જયડન સીલ્સનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - IND VS WI મેચ માટે જબરદસ્ત ક્રેઝ, માત્ર એક જ મિનિટમાં....