ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેદાન પર ચાલી રહેલી T20 શ્રેણી વચ્ચે ક્રિકેટના આંતરરાષ્ટ્રીય મંચ પર નાણાકીય વહેંચણીને લઈને મોટો વિવાદ છેડાયો છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્રિસ ડેરિંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના દ્વિપક્ષીય શ્રેણીના રેવન્યુ મોડલ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે વર્તમાન વ્યવસ્થા સંપૂર્ણપણે યજમાન દેશ તરફ ઝૂકેલી છે, જેનાથી પ્રવાસી ટીમો ગંભીર નાણાકીય સંકટમાં મુકાઈ રહી છે.
ભારત પ્રવાસથી BCCIને કરોડોની કમાણી, વિન્ડીઝ ખાલી હાથે!
મિડિયા રિપોર્ટ અનુસાર ક્રિસ ડેરિંગે જણાવ્યા અનુસાર આ પ્રવાસથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આશરે 20થી 30 મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે ₹170 કરોડથી ₹270 કરોડ જેટલી આવક થવાનો અંદાજ છે.તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતમાં વિશાળ માર્કેટ, પ્રસારણ અધિકારો અને સ્પોન્સરશિપ દ્વારા અબજો રૂપિયાનો વેપાર થાય છે. પરંતુ પ્રવાસી ટીમને આ નફામાંથી કોઈ સીધો હિસ્સો મળતો નથી. પરિણામે, કેરેબિયન દેશો જેવા નાના ટાપુઓમાં વહેંચાયેલા અને નાણાકીય રીતે સંઘર્ષ કરતા બોર્ડ માટે વૈશ્વિક ક્રિકેટમાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
1997 પછી બદલાયેલા નિયમોએ વિન્ડીઝની કમર તોડી
ડેરિંગે 1997 પહેલાંના નિયમોને યાદ કરતાં જણાવ્યું કે તે સમયે વિદેશ પ્રવાસે જતી કોઈપણ ટીમને નિશ્ચિત 'ટૂર ફી'આપવામાં આવતી હતી. કેટલીક વખત આ રકમ વેસ્ટ ઇન્ડિઝમાં યોજાતી ઘરેલુ શ્રેણીની કુલ આવક કરતાં પણ વધુ રહેતી હતી.પરંતુ ત્યારબાદ બહુમતીના આધારે આ નિયમ બદલી નંખાયો. મતદાન દરમિયાન વેસ્ટ ઇન્ડિઝનો પક્ષ 9-1થી હારી ગયો હતો અને તમામ દ્વિપક્ષીય આવક યજમાન દેશ પાસે જ રાખવાની વ્યવસ્થા અમલી બની ગઈ. આ ફેરફારે નાના દેશોના ક્રિકેટ બોર્ડના આર્થિક પાયા હચમચાવી દીધા.
ICC રેવન્યુ શેરિંગમાં પણ મોટો તફાવત
દ્વિપક્ષીય સીરિઝ ઉપરાંત ICCની કેન્દ્રીય આવકની વહેંચણીમાં પણ ભારે અસંતુલન જોવા મળે છે BCCIનો હિસ્સો: વૈશ્વિક સ્તરે સૌથી મોટું બજાર હોવાથી BCCIને ICCની કુલ આવકમાંથી લગભગ 38.5% જેટલો સિંહભાગ મળે છે.વેસ્ટ ઇન્ડિઝનો હિસ્સો: બે વાર ટી20 વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વેસ્ટ ઇન્ડિઝને માત્ર 5% ની આસપાસ હિસ્સો ફાળવવામાં આવે છે.
નાના ક્રિકેટ બોર્ડ્સના અસ્તિત્વ સામે મોટો ખતરો
જો પ્રવાસી ટીમોને દ્વિપક્ષીય શ્રેણીમાંથી થતી આવકનો વાજબી હિસ્સો નહીં મળે, તો નાના બોર્ડ માટે સ્થાનિક ક્રિકેટનું માળખું ટકાવી રાખવું, ગ્રાઉન્ડ્સનું સંચાલન કરવું અને યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવાનો ખર્ચ ઉઠાવવો અશક્ય બની જશે.ભારત જેવા આર્થિક મહાસત્તા બોર્ડ સામે રમવું એ મેદાન પર પ્રતિભા સાબિત કરવાની તક ચોક્કસ છે, પરંતુ જે ટીમો પોતાની ઉપસ્થિતિથી ભારતમાં અબજો રૂપિયાનું માર્કેટ ઊભું કરવામાં મદદ કરે છે, તેમને યોગ્ય ભાગીદારી મળવી જોઈએ કે નહીં—તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે સૌથી ચર્ચાસ્પદ સવાલ બની ગયો છે.
આ પણ વાંચો - IND vs WI 5th T20 : ઈશાન કિશન અને અભિષેક શર્મા પાસે સુવર્ણ તક, બેંગલુરુમાં બનશે આ મોટા કીર્તિમાન