હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેટલીક ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમની બહાર છે. પરંતુ તેમાંથી કેટલીક વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલી વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગ (WCPL)ની વર્તમાન સિઝનમાં ભાગ લઈ રહી છે. આ યાદીમાં હવે ભારતની સ્ટાર ક્રિકેટર હરલીન દેઓલનું નામ પણ જોડાઈ ગયું છે. હરલીન WCPL 2026ની બાકીની મેચોમાં બાર્બાડોસ ટ્રાયડેન્ટ્સ તરફથી રમતી જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. તાજેતરમાં દુબઈમાં રમાયેલા મહિલા T20 એશિયા કપ માટે ભારતીય ટીમમાં હરલીન દેઓલની પસંદગી થઈ નહોતી અને તે ભારતીય મહિલા 'A' ટીમનો પણ હિસ્સો નથી.
બાર્બાડોસ ટ્રાયડેન્ટ્સ ટીમમાં સામેલ હરલીન
ભારતીય ટીમની કોઈ પણ સ્ક્વોડમાં સામેલ ન હોવાને કારણે હરલીન દેઓલ હાલમાં WCPL2026ની આખી સિઝન માટે બાર્બાડોસ ટ્રાયડેન્ટ્સ ટીમ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ તે આ સિઝનમાં WCPL રમનારી પાંચમી ભારતીય ખેલાડી બની ગઈ છે. આ સિઝનમાં કિરણ નવગીરે અને પૂજા વસ્ત્રાકર પણ બાર્બાડોસ ટ્રાયડેન્ટ્સ તરફથી રમી રહી છે, જ્યારે શિખા પાંડે અને યાસ્તિકા ભાટિયા ત્રિનિબાગો નાઈટ રાઈડર્સની ટીમનો હિસ્સો છે. બાર્બાડોસ ટ્રાયડેન્ટ્સની વાત કરીએ તો, તેણે અત્યાર સુધી એક જ મેચ રમી છે, જેમાં તેને ત્રિનિબાગો નાઈટ રાઈડર્સ સામે 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમની આગામી મેચ 13 સપ્ટેમ્બરે જમૈકા એમ્પ્રેસ સામે યોજાવાની છે.
