પાકિસ્તાન-એ સામે 48 રનની હાર બાદ ભારત-એની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ પર સવાલ ઊભા થયા હતા. જોકે, UAE સામેની છેલ્લી ગ્રુપ મેચમાં વૈભવ સૂર્યવંશીએ એવી તોફાની બેટિંગ કરી કે ભારતની સ્થિતિ જ બદલાઈ ગઈ. UAEના 250 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વૈભવે માત્ર 53 બોલમાં અણનમ 204 રન ફટકાર્યા અને ભારતે 14.2 ઓવરમાં જ જીત મેળવી લીધી. આ જીતથી ભારતના 4 પોઇન્ટ થયા અને નેટ રનરેટમાં પણ મોટો ઉછાળો આવ્યો. પરિણામે ભારત ગ્રુપ-બીમાં પાકિસ્તાન-એને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. હવે સવાલ એ છે કે ભારતની સેમિફાઇનલની ટિકિટ પાક્કી થઈ ગઈ છે કે હજુ કોઈ પરિણામની રાહ જોવી પડશે?
UAE સામેની જીતથી ભારતની સ્થિતિ મજબૂત
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારત-એ માટે UAE સામેની મેચ કરો યા મરો જેવી હતી. પાકિસ્તાન-એ સામે 48 રનની હાર બાદ ભારતે આ મેચ જીતવી જરૂરી હતી. UAEએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા. હરપ્રીત સિંહ ભાટિયાએ 144 બોલમાં 130 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ભારતે વૈભવ સૂર્યવંશીના તોફાનના જોરે માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટે 254 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી. વૈભવે 53 બોલમાં અણનમ 204 રન બનાવ્યા હતા. આ જીત ભારત માટે માત્ર બે પોઇન્ટ જ નહીં, પરંતુ નેટ રનરેટની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વની સાબિત થઈ.
પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડ્યું
UAE સામેની જીત બાદ ભારત-એના 3 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ થઈ ગયા છે. ભારતનો નેટ રનરેટ પણ વધીને +3.523 થયો છે. આ સાથે ભારત ગ્રુપ-બીના પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ, પાકિસ્તાન-એએ 2 મેચમાં 2 જીત સાથે 4 પોઇન્ટ મેળવ્યા છે અને તેનો નેટ રનરેટ +1.090 છે. નેપાળના 2 મેચમાં 2 પોઇન્ટ છે, જ્યારે UAE ત્રણેય મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.
શું ભારતની સેમિફાઇનલની ટિકિટ પાક્કી થઈ ગઈ?
ભારતની સ્થિતિ હવે ખૂબ મજબૂત બની ગઈ છે. ટીમ પાસે 4 પોઇન્ટ અને +3.523નો નેટ રનરેટ છે. ગ્રુપ-બીમાં હવે પાકિસ્તાન-એ અને નેપાળ વચ્ચે એક મેચ બાકી છે. આ મેચનું પરિણામ અંતિમ પોઇન્ટ ટેબલ નક્કી કરશે. જો પાકિસ્તાન જીતે તો તે 6 પોઇન્ટ સાથે પ્રથમ અને ભારત 4 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહેશે. જો નેપાળ જીતે તો ત્રણેય ટીમના 4-4 પોઇન્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં નેટ રનરેટના આધારે બે સેમિફાઇનલિસ્ટ નક્કી થશે. ભારતનો હાલનો નેટ રનરેટ બંને ટીમો કરતાં ઘણો સારો હોવાથી તેની સ્થિતિ મજબૂત છે.
હવે સેમિફાઇનલમાં પહોંચવા પર નજર
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ગ્રુપ-બીમાં પાકિસ્તાન-એ અગાઉથી જ સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. હવે ભારત-એ પણ UAE સામેની જીત બાદ અંતિમ ચારમાં પહોંચવાની ખૂબ નજીક છે.
ભારતની સેમિફાઇનલની સ્થિતિ હવે નેટ રનરેટના કારણે ઘણી મજબૂત બની છે. પાકિસ્તાન-એ અને નેપાળ વચ્ચેની બાકી મેચ બાદ ગ્રુપનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. ભારત માટે વૈભવની આ ઐતિહાસિક ઇનિંગ્સ ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે નિર્ણાયક સાબિત થઈ છે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshiએ ખોલ્યું પોતાની બેટિંગનું રહસ્ય! કહ્યું- દબાણ તો મને પણ થાય છે