આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2026માં ભાગ લેવા માટે જાપાનના પ્રવાસે જશે. આ ટુર્નામેન્ટની તમામ ક્રિકેટ મેચો નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાવાની છે. જો કે, આ મુખ્ય ટુર્નામેન્ટના પ્રારંભ પહેલાં ભારતીય ટીમ જાપાન સામે એક ઐતિહાસિક T20 મેચ રમશે. 22 સપ્ટેમ્બરે સાનોના ગ્રાઉન્ડ પર ખેલાનારા આ ઐતિહાસિક મુકાબલા અગાઉ જાપાનના કેપ્ટન કેન્ડલ કાદોવાકી ફ્લેમિંગ અને 17 વર્ષીય યુવા ઓલરાઉન્ડર ચાર્લી હારા-હિંજે ઉત્સાહપૂર્ણ નિવેદનો આપ્યા છે.

આ મેચ જાપાનમાં ક્રિકેટ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે 

જાપાની ક્રિકેટ ટીમનો કેપ્ટન કેન્ડલ કાદોવાકી-ફ્લેમિંગ અને યુવા ખેલાડી ચાર્લી હારા-હિંજનું માનવું છે, કે ભારત જેવી વિશ્વવિખ્યાત ટીમ સામે રમવું એ માત્ર એક યાદગાર ક્ષણ નથી, પરંતુ તે જાપાનમાં ક્રિકેટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવી શકે છે. સામાન્ય રીતે જાપાનમાં બેઝબોલ સૌથી વધુ લોકપ્રિય રમત છે, પરંતુ ભારતીય ટીમ પ્રથમ વખત ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહી છે. જાપાની ખેલાડીઓને આશા છે કે, આ મેચથી દેશના બાળકો અને યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે ભારે ઉત્સુકતા જાગશે, જેનાથી ભવિષ્યમાં જાપાનમાં પણ આ રમતનો વ્યાપ વધશે.

જાપાનમાં ક્રિકેટ લોકપ્રિય 

તેણે વધુમાં જણાવ્યું કે, એશિયન ગેમ્સ દરમિયાન ભારત, અફઘાનિસ્તાન અને નેપાળ જેવી મજબૂત ટીમોની યજમાની કરવી એ દર્શાવે છે કે જાપાનમાં ક્રિકેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. કેપ્ટનના જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલાં આવી દિગ્ગજ ટીમો સામે મેચ રમવા અંગે વિચારવું પણ અશક્ય હતું. તેથી આવી મોટી ટીમોનું જાપાન આગમન દેશમાં ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મોટો અને સકારાત્મક સંકેત છે.

જાપાની ટીમ માત્ર ઔપચારિકતા પૂરી કરવા મેદાનમાં નહી ઉતરે

તેણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત સામે રમવું તેના માટે યાદગાર ક્ષણ છે, પરંતુ તેની ટીમ માત્ર મેદાન પર ઔપચારિકતા પૂરી કરવા નહીં ઉતરે. તેઓ આ મેચ દ્વારા વિશ્વ સમક્ષ સાબિત કરવા માંગે છે કે તેમની પુરુષ ક્રિકેટ ટીમમાં કેટલો દમ-ખમ છે. તેણે સ્વીકાર્યું હતું કે, ભારતીય ટીમમાં બેટિંગ, ફાસ્ટ બોલિંગ અને સ્પીન એમ દરેક વિભાગમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામેલ છે. પરિણામે, આવી વર્લ્ડ-ક્લાસ ટીમ સામે રમવું અને તેમની સાથે સ્પર્ધા કરવી એ જાપાની ખેલાડીઓ માટે શીખવાની એક અમૂલ્ય તક બની રહેશે.