નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની મહાફાઇનલ મેચ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં, પરંતુ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન માટે પણ ઐતિહાસિક અને અતિ ફાયદાકારક સાબિત થઈ છે. ફાઇનલ મુકાબલાના દિવસે સ્ટેડિયમ તરફ જતા અને મેચ પૂરી થયા બાદ પરત ફરતા ક્રિકેટ ચાહકોની અભૂતપૂર્વ ભીડને કારણે મેટ્રોની આવક અને મુસાફરોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે.
1.95 લાખ મુસાફરોની મેટ્રોમાં મુસાફરી
પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, ફાઇનલ મેચના દિવસે માત્ર 24 કલાકના ગાળામાં રેકોર્ડ સ્તરના 1.95 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક જામ અને પાર્કિંગની ભારે સમસ્યાથી બચવા માટે હજારો દર્શકોએ પોતાના ખાનગી વાહનો મૂકીને મેટ્રો સેવાને પહેલી પસંદગી આપી હતી. જેના કારણે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર ચાહકોનું કીડીયારું ઉભરાયું હતું.
https://x.com/sandeshnews/status/2061341650119733615?s=20
મોડી રાત સુધી દોડાવાઈ મેટ્રો
ક્રિકેટ ફેન્સની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મેટ્રો પ્રશાસન દ્વારા અગાઉથી જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં રાત્રે10 વાગ્યે બંધ થઈ જતી મેટ્રો સેવાને ફાઇનલના દિવસે ખાસ લંબાવીને મોડી રાત્રે 2:30 વાગ્યા સુધી કાર્યરત રાખવામાં આવી હતી. મેચ અને ક્લોઝિંગ સેરેમની પૂર્ણ થયા બાદ મોટેરા સ્ટેડિયમથી તમામ રૂટ પર દર 3 થી 5 મિનિટના અંતરે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેથી મોડી રાત્રે પણ મુસાફરો ખૂબ જ સુરક્ષિત અને ઝડપથી પોતાના ઘરે પહોંચી શક્યા હતા.
એક જ દિવસમાં રૂ. 30 લાખની આવક
મુસાફરોની આ અભૂતપૂર્વ ભીડને કારણે મેટ્રોની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ફાઇનલ મેચના આ ખાસ દિવસે મેટ્રોને એક જ દિવસમાં રૂપિયા 30 લાખથી વધુની ઐતિહાસિક આવક થઈ છે, જે મેટ્રોના ઈતિહાસમાં એક દિવસની સર્વોચ્ચ કમાણી છે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેશનો પર વધારાના કાઉન્ટર્સ અને પેપર ટિકિટની એડવાન્સ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે આટલી મોટી સંખ્યા હોવા છતાં વહીવટ ખૂબ જ સુચારૂ અને શાંતિપૂર્ણ રહ્યો હતો. આ સફળતાએ સાબિત કર્યું છે કે અમદાવાદમાં મેગા ઈવેન્ટ્સ મેનેજમેન્ટ માટે મેટ્રો હવે શહેરની સાચી જીવાદોરી બની ગઈ છે.
આ પણ વાંચો- RCB કેમ્પમાં ડબલ સેલિબ્રેશન! IPL જીત્યા બાદ કોચ અને કેપ્ટને સાથે મનાવ્યો બર્થડે