ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઇટેક કમ્યુનિકેશન ગેજેટ્સના વધતા ઉપયોગે ક્રિકેટ બોર્ડની ચિંતા વધારી દીધી છે. ટૂર્નામેન્ટની ગરિમા અને પારદર્શિતા જાળવી રાખવા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે એક નવી સત્તાવાર એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકામાં ખાસ કરીને સ્માર્ટ ચશ્મા, સનગ્લાસ અને ગોગલ્સના ઉપયોગ અંગે અત્યંત કડક સૂચનાઓ આપવામાં આવી છે.

સ્માર્ટ ગેજેટ્સ વેચતી કંપનીઓ પર ACSU ની નજર

ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમ (ACSU) એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે કેટલીક અત્યંત સંવેદનશીલ માહિતી શેર કરી છે. રિપોર્ટ અનુસાર, કેટલીક કંપનીઓ T20 લીગમાં સામેલ ખેલાડીઓ અને ટીમના ઉચ્ચ અધિકારીઓને ખાસ પ્રકારના ગુપ્ત કમ્યુનિકેશન ડિવાઇસ વેચવાનો પ્રયાસ કરી રહી છે. આ સ્માર્ટ ચશ્મા સામાન્ય દેખાતા હોવા છતાં અંદરથી હાઇટેક ફીચર્સથી સજ્જ છે. આ ચશ્મા દ્વારા લાઈવ મેચનું સીધું સ્ટ્રીમિંગ થઈ શકે છે. ઇન્ટરનેટ વગર કે છૂપી રીતે ટેક્સ્ટ મેસેજ મોકલી શકાય છે. Wi-Fi અથવા મોબાઇલ ડેટા કનેક્ટિવિટી દ્વારા ઓડિયો-વીડિયો કોલ પણ થઈ શકે છે.  લાઈવ મેચ દરમિયાન ડગઆઉટ કે મેદાન પરથી આ પ્રકારની પદ્ધતિઓનો દુરુપયોગ બુકિઝ અથવા ફિક્સિંગ નેટવર્ક સાથે જોડાવા માટે થઈ શકે છે, જેના કારણે આ કડક નિર્ણય લેવાયો છે.

વૉરેબલ ટેક્નોલોજી બની રહી છે મોટો પડકાર

મામલા સાથે જોડાયેલા એક આંતરિક સૂત્રએ જણાવ્યું કે, "આજના સમયમાં વૉરેબલ ટેક્નોલોજી (Wearable Technology) ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે. ચશ્મા કે ઘડિયાળ જેવા સામાન્ય દેખાતા સાધનો હવે છૂપી રીતે સંદેશા વ્યવહાર કરવાનું માધ્યમ બની રહ્યા છે. ભ્રષ્ટાચારના જોખમોને નાબૂદ કરવા માટે ACSU ની આ કાર્યવાહી લીગની સતત સતર્કતા દર્શાવે છે." બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ મહિનાની શરૂઆતમાં તમામ ૧૦ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને એક આઠ પાનાની વિસ્તૃત ઈમેઈલ ગાઈડલાઈન મોકલી છે. આ પત્રમાં વર્તમાન આઈપીએલ સિઝન દરમિયાન ખેલાડીઓ, ટીમ માલિકો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન અને અયોગ્ય વર્તનની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સચિવે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આવી ઘટનાઓને તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો તેનાથી ટુર્નામેન્ટ, ફ્રેન્ચાઇઝીઓ અને ખુદ BCCI ની પ્રતિષ્ઠાને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થઈ શકે છે.

રાજસ્થાન રોયલ્સના મેનેજરના વિવાદ બાદ બોર્ડ એક્શનમાં

ચાલુ આઈપીએલ ૨૦૨૬ (IPL 2026) દરમિયાન જ એક મોટો વિવાદ સામે આવ્યો હતો, જે આ કડક ગાઈડલાઈન પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. રાજસ્થાન રોયલ્સના એક મેનેજર લાઈવ મેચ દરમિયાન ટીમ ડગઆઉટમાં ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની બિલકુલ બાજુમાં બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ થયા હતા. નિયમ મુજબ, લાઈવ મેચ દરમિયાન ડગઆઉટમાં કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક સંચાર સાધનો કે મોબાઈલના ઉપયોગ પર સખત પ્રતિબંધ હોય છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચ્યો હતો, જેના પગલે ક્રિકેટ બોર્ડે આગામી મેચો માટે સુરક્ષા પ્રોટોકોલ વધુ મજબૂત બનાવ્યા છે.