IPL 2026ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે (31 મે) રમાશે. બંને ટીમો બીજી વાર ખિતાબ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, પરંતુ મેચ પહેલાં એક એવો રેકોર્ડ સામે આવ્યો છે જે RCBના પ્રશંસકોને ઉત્સાહિત કરી શકે છે અને ગુજરાતની ચિંતા વધારી શકે છે. IPLમાં 2018થી એક ટ્રેન્ડ સતત ચાલતો આવે છે. ક્વોલિફાયર-1 જીતનારી ટીમે દરેક વખતે ફાઇનલમાં પણ બાજી મારી છે. આ વખતે ક્વોલિફાયર-1માં RCBએ ગુજરાત ટાઇટન્સને એકતરફી અંદાજમાં હરાવીને સીધી ફાઇનલની ટિકિટ મેળવી હતી. એવામાં ઇતિહાસ બેંગલુરુના પક્ષમાં ઊભેલો દેખાય છે.
8 વર્ષથી નથી તૂટ્યો આ 'ફોર્મ્યુલા'
IPL નું વર્તમાન પ્લેઓફ ફોર્મેટ ટીમોને બીજી તક આપે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ક્વોલિફાયર-1 જીતનારી ટીમે તે ફાયદાનો પૂરો લાભ ઉઠાવ્યો છે.
• 2018: ચેન્નઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1 જીત્યું, પછી ટ્રોફી પણ જીતી.
• 2019: મુંબઈ ઇન્ડિયન્સે આ જ પરાક્રમ કર્યું.
• 2020: મુંબઈ ઇન્ડિયન્સે ટ્રેન્ડ યથાવત્ રાખ્યો.
• 2021: ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની.
• 2022: ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-1 જીતીને ટ્રોફી ઉઠાવી.
• 2023: ચેન્નઈ સુપર કિંગ્સે ઇતિહાસ દોહરાવ્યો.
• 2024: કોલકાતા નાઇટ રાઇડર્સ- ક્વોલિફાયર-1 વિજેતા ટીમે ફાઇનલ પણ જીતી.
• 2025: આ સિલસિલો ચાલુ રહ્યો... રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કમાલ કર્યો.
હવે 2026માં ક્વોલિફાયર-1 જીતનારી ટીમ RCB છે. તેવામાં આંકડા તેના પક્ષમાં દેખાઈ રહ્યા છે.
... પરંતુ અમદાવાદ ગુજરાતનો ગઢ છે
જો ઇતિહાસ RCBની સાથે છે તો રેકોર્ડ ગુજરાતના પક્ષમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે અને ટીમ અહીં સતત ચાર મેચ જીતી ચૂકી છે. આમાં RCB સામે મેળવેલી જીત પણ સામેલ છે. તેવામાં શુભમન ગીલની ટીમ પોતાના ઘરમાં ટ્રોફી ઉઠાવવાનું સપનું લઈને ઉતરશે.
પાવરપ્લેમાં નક્કી થઈ શકે છે ફાઇનલ
અમદાવાદની મિશ્ર માટીવાળી પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળવાની આશા છે. તેવામાં મેચનું પરિણામ શરૂઆતની છ ઓવરોમાં જ નક્કી થઈ શકે છે. ગુજરાત પાસે કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા વિકેટ લેનારા બોલરો છે, જ્યારે RCBની બેટિંગ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની આસપાસ ફરે છે.
ગીલ-સુદર્શનનો પ્રચંડ ફોર્મ, વિરાટનો અનુભવ
શુભમન ગીલ અને સાઈ સુદર્શને આ સીઝનમાં રન બનાવવાની મશીનની જેમ પ્રદર્શન કર્યું છે. બંને 700થી વધુ રનના આંકડાને પાર કરી ચૂક્યા છે. જોસ બટલરની હાજરી ગુજરાતના ટોપ ઓર્ડરને વધુ ખતરનાક બનાવે છે. બીજી તરફ વિરાટ કોહલીએ વધુ એક વાર 600થી વધુ રન વાળી સીઝન રમી છે. 2024થી અત્યાર સુધીમાં તેમના બેટમાંથી લગભગ 2000 રન નીકળી ચૂક્યા છે. દેવદત્ત પડિક્કલે પણ બહુ ચર્ચામાં આવ્યા વગર શાનદાર પ્રદર્શન કર્યું છે. મોટી મેચમાં RCBને તેમની પાસેથી મોટી આશા હશે.
મિડલ ઓર્ડરમાં RCBનું પલડું ભારે?
રજત પાટીદાર, ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ અને કૃણાલ પંડ્યા RCBને મિડલ ઓવરોમાં વધારાની તાકાત આપે છે. વળી ગુજરાતની આશાઓ રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર અને નિશાંત સિંધુ પર ટકેલી રહેશે. ફાઇનલ જેવી મોટી મેચમાં આ જ વિભાગ જીત અને હારનો તફાવત ઊભો કરી શકે છે.
રબાડાની નજર પર્પલ કેપ પર
કગિસો રબાડા 28 વિકેટ સાથે શાનદાર સીઝન રમી રહ્યા છે અને 30 વિકેટના આંકડાથી માત્ર બે ડગલાં દૂર છે. જો તેઓ એવું કરી લેશે, તો અલગ-અલગ ટીમો તરફથી બે અલગ-અલગ સીઝનમાં 30 વિકેટ લેનારા પહેલા બોલર બની જશે. આ પહેલાં રબાડાએ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે 30 વિકેટ મેળવીને પર્પલ કેપ જીતી હતી. હર્ષલ પટેલે પણ બે અલગ-અલગ ટીમો તરફથી પર્પલ કેપ જીતી છે... પરંતુ એક વાર તેમણે RCB માટે 2021માં 32 વિકેટ અને બીજી વાર પંજાબ કિંગ્સ માટે 2024માં 24 વિકેટ ઝડપી હતી. એટલે કે એક વાર તો તેમને 30થી વધુ વિકેટ મળી, પરંતુ બીજી વાર 30નો આંકડો સ્પર્શી શક્યા નહીં અને 24 પર જ અટકી ગયા. બીજી તરફ આ વખતે અત્યાર સુધી ભુવનેશ્વર કુમારના ખાતામાં 26 વિકેટ છે.
RCB કે GT, કોણ ચેમ્પિયન?
IPLના ઇતિહાસમાં માત્ર બે જ ટીમો પોતાના ખિતાબનો સફળતાપૂર્વક બચાવ કરી શકી છે- મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ. હવે રજત પાટીદારની RCB પાસે આ ખાસ ક્લબમાં સામેલ થવાની તક છે. હવે નિર્ણય મેદાન પર થશે. શું RCB ક્વોલિફાયર-1 વિજેતાઓની સોનેરી પરંપરાને આગળ વધારતા સતત બીજો ખિતાબ પોતાના નામે કરશે, કે પછી શુભમન ગીલની ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઇતિહાસ બદલવામાં સફળ રહેશે?
આ પણ વાંચો-IPL 2026 : ટ્રોફી સાથે મળશે કરોડો રૂપિયા! પ્રાઇઝ મનીના આંકડા જાણીને હોશ ઉડી જશે!