IPL 2026ની છેલ્લી લીગ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં દિલ્હીની ટીમે 40 રનથી મોટી જીત નોંધાવી હતી. આ સાથે દિલ્હીએ સીઝનનો સારા અંત કર્યો. આ મેચમાં KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવર સુધી બેટિંગ કર્યા બાદ 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. KKR ટીમ આ મેચમાં સંપૂર્ણ 20 ઓવર પણ બેટિંગ કરી શકી ન હતી અને 18.3 ઓવરમાં 163 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સે અભિષેક પોરેલ અને કેએલ રાહુલની ઓપનિંગ જોડી સાથે શાનદાર શરૂઆત કરી હતી. તેને પ્રથમ વિકેટ માટે 40 રનની પાર્ટનરશીપ કરી હતી. પોરેલ 18 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સાહિલ પરીખે 17 બોલમાં 24 રન બનાવ્યા. કેપ્ટન અક્ષર પટેલે 25 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કેએલ રાહુલે 30 બોલમાં 200 ના સ્ટ્રાઈક રેટથી 60 રન બનાવ્યા હતા. તેને પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ મિલરે 19 બોલમાં 3 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી KKR ટીમે ફિન એલન અને અજિંક્ય રહાણેની જોડી સાથે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 43 રન બનાવ્યા હતા. એલન 13 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા મનીષ પાંડેએ 16 બોલમાં 25 રનની ઈનિંગ રમી હતી. રોવમેન પોવેલ 21 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં, અજિંક્ય રહાણેએ કેપ્ટનશીપ ઈનિંગ રમતી વખતે KKR માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેને 39 બોલમાં 4 ચોગ્ગા અને એટલા જ છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. બોલિંગમાં દિલ્હી માટે કુલદીપ યાદવ અને લુંગી એનગીડીએ 3-3 વિકેટ લીધી હતી.