IPLના ઇતિહાસમાં એવી ઘણી વાર્તાઓ છે જ્યાં કોઈ ખેલાડી નસીબના જોરે ટીમમાં આવે છે અને રાતોરાત સુપરસ્ટાર બની જાય છે.આવી જ એક અદ્ભુત વાર્તા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિસ્ફોટક બેટ્સમેન રજત પાટીદારની છે.એક સમય એવો હતો જ્યારે રજત પાટીદાર આઈપીએલ ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો અને તેણે ક્રિકેટ છોડીને લગ્ન કરવાની તૈયારી કરી લીધી હતી.પરંતુ એક રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે તેની એન્ટ્રી થઈ અને તેણે ન માત્ર આરસીબીની કિસ્મત બદલી,પણ ક્રિકેટ જગતમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું.

જ્યારે ઓક્શનમાં કોઈ ખરીદનાર ન મળ્યો

વર્ષ 2022ના મેગા ઓક્શનમાં રજત પાટીદારને કોઈ ટીમે ખરીદ્યો ન હતો. આનાથી નિરાશ થઈને રજતે તેના પરિવાર સાથે મળીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી 9 મે 2022 લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી,હોટલ બુક થઈ ગઈ હતી અને કંકોતરીઓ પણ વહેંચાઈ ગઈ હતી.રજત ક્રિકેટથી દૂર રહીને પોતાના જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો હતો.

એક ફોન આવ્યો અને લગ્ન અટકી ગયા!

બરાબર એ જ સમયે આરસીબીના કેમ્પમાંથી એક માઠા સમાચાર આવ્યા. ટીમના વિકેટકીપર બેટ્સમેન લવનીથ સિસોદિયા ઈજાગ્રસ્ત થઈને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. આરસીબીને તાત્કાલિક એક મધ્યમ ક્રમના બેટ્સમેનની જરૂર હતી. વિરાટ કોહલી અને મેનેજમેન્ટે રજત પાટીદાર પર ભરોસો મૂક્યો અને માત્ર રૂ.20 લાખની બેઝ પ્રાઈઝ પર તેને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો.

પ્લે-ઓફમાં સદી ફટકારીને રચ્યો ઇતિહાસ

રિપ્લેસમેન્ટ તરીકે આવેલા રજત પાટીદારે મેદાન પર ઉતરીને જે કર્યું, તે અવિશ્વસનીય હતું. એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે દબાણની સ્થિતિમાં રજતે માત્ર 54 બોલમાં અણનમ 112 રનની તોફાની ઇનિંગ રમી હતી.તેની આ સદીના દમ પર આરસીબીએ મેચ જીતી અને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી.

રિપ્લેસમેન્ટથી ટીમનો મુખ્ય આધાર બન્યો

લગ્ન ટાળીને ક્રિકેટને પ્રાથમિકતા આપવાનો રજતનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો. 2022ની એ શાનદાર સીઝન બાદ રજત આરસીબીનો સૌથી મહત્વનો મિડલ ઓર્ડર બેટ્સમેન બની ગયો. વિરાટ કોહલીએ પણ ઘણી વખત રજતની બેટિંગના મુક્ત કંઠે વખાણ કર્યા છે. આઈપીએલના પ્રદર્શનના આધારે જ રજત પાટીદાર માટે ભારતીય ઇન્ટરનેશનલ ટીમમાં ડેબ્યૂ કરવાના દ્વાર પણ ખુલ્યા હતા. રજત પાટીદારની આ કહાની દર્શાવે છે કે જો તમારી પાસે પ્રતિભા હોય અને તમે તમારી તક માટે સર્વસ્વ કુરબાન કરવા તૈયાર હોવ, તો કિસ્મત પણ તમારી પલટી મારી જાય છે

આ પણ વાંચો - LPL લીગમાં રમશે આ દિગ્ગજ ભારતીય ખેલાડી,ટૂર્નામેન્ટમાં 'ઇમ્પેક્ટ પ્લેયર' રૂલની પણ થઈ એન્ટ્રી