IPL 2026ની લીગ સ્ટેજ પૂર્ણ થઈ ગઈ છે, અને પ્લેઓફ શરૂ થવાની છે. આ સિઝનની પહેલી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે.
બંને ટીમો આ સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ટોપ 2ના સ્થાન પર રહી હતી. પ્રથમ ક્વોલિફાયર પહેલા અમે RCBના IPL પ્લેઓફ પ્રદર્શન પર એક નજર નાખીશું.
RCBએ IPLમાં અત્યાર સુધીમાં 18 પ્લેઓફ મેચ રમી છે
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ અત્યાર સુધીમાં IPLમાં 18 વખત પ્લેઓફમાં પહોંચી છે, જેમાંથી તેને 8 વખત જીત મેળવી છે અને 10 વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ 18 વખતમાંથી RCB 2 વાર સેમીફાઈનલ અને 4 વખત ફાઈનલ રમી છે. તમને જણાવી દઈએ કે IPLમાં પ્લેઓફ 2011માં શરૂ થઈ હતી, તે પહેલા આ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલ અને ફાઈનલની સિસ્ટમ અમલમાં હતી. પ્લેઓફ નિયમથી બેંગલુરુની ટીમ ક્વોલિફાયર-1 3 વખત અને ક્વોલિફાયર-2 3 વખત રમી છે. RCB ટીમ 5 વખત એલિમિનેટર પણ રમી ચૂકી છે.
પ્લેઓફમાં RCBનો રેકોર્ડ અત્યાર સુધી કેવો રહ્યો છે?
ક્વોલિફાયર-1 માં RCB એ અત્યાર સુધી 3માંથી 2 મેચ જીતી છે, જ્યારે 1 હારી ગઈ છે. એલિમિનેટર મેચોમાં બેંગલુરુએ 5માંથી 2 જીતી છે, જ્યારે 3 હારી છે. ક્વોલિફાયર 2 માં RCB એ 3માંથી ફક્ત 1 મેચ જીતી છે, જ્યારે 2 હારી છે. વધુમાં ફાઈનલમાં RCBએ 4માંથી ફક્ત 1 જ જીતી છે. RCB ગયા વર્ષે તેની એકમાત્ર ફાઈનલ જીતી હતી.
IPL 2026 પોઈન્ટ ટેબલમાં RCB ટોપ પર
IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્રદર્શનની વાત કરીએ તો ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. લીગ સ્ટેજમાં RCB 14 માંથી 9 મેચ જીતવામાં સફળ રહી અને 5 હારી. 18 પોઈન્ટ સાથે, RCB પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર રહી. પરંતુ આ સિઝનમાં ગુજરાત અને સનરાઈઝર્સ હૈદરાબાદના પણ 18-18 પોઈન્ટ હતા, RCB નેટ રન રેટના સંદર્ભમાં આ બંને ટીમોથી ઘણું આગળ હતું.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?