IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKએ પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર કર્યા છે. જોકે, ટીમના એક નિર્ણયે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ કરી છે. પાંચ વખતની ચેમ્પિયન CSK આગામી સિઝનમાં કોઈ નિષ્ણાત બેટિંગ કોચ વગર મેદાનમાં ઉતરવાની છે. ભારતના પૂર્વ ઓપનર સદાગોપન રમેશે આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ પગલાને વ્યૂહાત્મક રીતે ખોટું ગણાવ્યું છે. આ સાથે તેમણે સવાલ પણ ઉઠાવ્યો છે કે શું એમએસ ધોની યુવા બેટ્સમેનોને માર્ગદર્શન આપવાની જવાબદારી સંભાળશે?
CSKના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર
છેલ્લી કેટલીક સિઝનમાં CSKનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. સતત 3 નિરાશાજનક સિઝન બાદ ટીમ મેનેજમેન્ટે પોતાના કોચિંગ માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2018થી ટીમના બેટિંગ કોચ તરીકે કામ કરી રહેલા માઈકલ હસી અને લાંબા સમયથી મુખ્ય કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગને પણ વિદાય આપવામાં આવી છે.ફ્લેમિંગના સ્થાને ઝહીર ખાનને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્વ ભારતીય ખેલાડી મોહિત શર્માને બોલિંગ કોચ અને એલ્બી મોર્કેલને સહાયક કોચ બનાવવામાં આવ્યા છે. ગેરેથ બેટી બીજા સહાયક કોચ તરીકે જોડાયા છે. શ્રીધરન શ્રીરામ અને જેમ્સ ફોસ્ટરને કોચિંગ સ્ટાફમાં યથાવત રાખવામાં આવ્યા છે.
બેટિંગ જ ટીમની સૌથી મોટી સમસ્યા રહી છે: રમેશ
પૂર્વ ભારતીય ઓપનર સદાગોપન રમેશ CSKના બેટિંગ કોચ નહીં રાખવાના નિર્ણયથી આશ્ચર્યમાં છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ માત્ર આશ્ચર્યજનક નિર્ણય નથી, પરંતુ વ્યૂહાત્મક રીતે પણ ખોટો છે.રમેશે છેલ્લા 2 IPL સિઝનના પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે CSKની બોલિંગ અને બેટિંગ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ટીમે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ બેટિંગમાં તે ટોચની ટીમોની સરખામણીમાં પાછળ રહી છે.
https://x.com/CricketCentrl/status/2116201659470946434?a=Rnfvt52C0QWzkGASL_4&s=20
શું ધોની બનશે યુવા બેટ્સમેનોના મેન્ટર?
સદાગોપન રમેશે આ સમગ્ર નિર્ણય વચ્ચે એમએસ ધોનીની ભૂમિકાને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે શું ધોની પોતે આગળ આવીને ટીમના યુવા બેટ્સમેનોને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપશે?રમેશના મતે, CSKમાં ઘણા યુવા બેટ્સમેનો છે, જેમને અનુભવી ખેલાડીના માર્ગદર્શનની જરૂર છે. અગાઉ માઈકલ હસી બેટિંગ કોચ હોવા છતાં ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આ પદ જ ખાલી રાખવામાં આવ્યું છે.તેમણે એવી શક્યતા પણ વ્યક્ત કરી કે ધોની યુવા ખેલાડીઓ માટે મેન્ટરની ભૂમિકા ભજવી શકે છે. જોકે, IPL 2027માં ધોની ખેલાડી તરીકે રમશે કે નહીં તે અંગે પણ હજુ સ્પષ્ટતા નથી. જો ધોની આ જવાબદારી સંભાળે તો તે CSK માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.હવે જોવાનું રહેશે કે CSK મેનેજમેન્ટ બેટિંગ કોચ વગર જ આગળ વધે છે કે પછી ધોનીને કોઈ ખાસ જવાબદારી સોંપીને ક્રિકેટ ચાહકોને ચોંકાવે છે.
આ પણ વાંચો - Ranji Trophy Controversy : ક્રિકેટ જગતમાં ખળભળાટ! એક જ રાતમાં આખી ટીમ હટાવાઈ, મેનેજરને મળી ધમકી