IPL 2027ની હરાજી પહેલાં ખેલાડીઓની અદલાબદલીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને ટ્રેડ ડીલની ચર્ચાએ જોર પકડ્યું છે.મિડિયા રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સ સાથે વાતચીત કરી રહી છે.આ ટ્રેડમાં ભારતીય ટીમના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ પણ સામે આવ્યું છે. ચર્ચા એવી છે કે હાર્દિકના બદલામાં અર્શદીપ સિંહ અને અન્ય એક ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થઈ શકે છે.જોકે,આ ટ્રેડ ડીલ અંગે હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝી કે BCCI તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
મુંબઈ ઇન્ડિયન્સે શરૂ કરી હતી ટ્રેડની વાતચીત
મીડિયા રિપોર્ટ અનુસાર હાર્દિક પંડ્યાના ટ્રેડનો વિચાર મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. મુંબઈની ટીમ હાર્દિકના બદલામાં એક ઝડપી બોલરને પોતાની ટીમમાં સામેલ કરવા માગતી હોવાનું જણાવાયું છે.જ્યારે પંજાબ કિંગ્સ સામે હાર્દિકને ટ્રેડ કરવાનો વિકલ્પ આવ્યો ત્યારે અર્શદીપ સિંહ અને વિષ્ણુ વિનોદના નામ અંગે ચર્ચા શરૂ થઈ હતી. અહેવાલો પ્રમાણે મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકના ટ્રેડ માટે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઇઝીનો સંપર્ક કર્યો હતો. તેમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથેની વાતચીત પણ આગળ વધી હતી. જોકે, હજુ સુધી કોઈ ટ્રેડ ડીલ ફાઇનલ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ નથી.
https://x.com/mufaddal_vohra/status/2117494887931384283?a=7RhQQscpQXBnsRt3YU0&s=20
અર્શદીપ મુંબઈમાં જાય તો પંજાબમાં ખાલી પડશે જગ્યા
જો અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થાય છે તો પંજાબ કિંગ્સની ટીમમાં ડાબોડી ઝડપી બોલરની જગ્યા ખાલી પડી શકે છે. રિકી પોન્ટિંગની કોચિંગ હેઠળ રમતી પંજાબની ટીમ આ ખાલી જગ્યા ભરવા માટે અન્ય ટ્રેડ વિકલ્પો પર વિચાર કરી શકે છે.આ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સ સાથે પણ સંભવિત ટ્રેડની ચર્ચા છે. અહેવાલો પ્રમાણે પંજાબ અને લખનઉ વચ્ચે મોહસિન ખાન તથા માર્કસ સ્ટોઇનિસની અદલાબદલી થઈ શકે છે. જોકે, આ અંગે પણ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી.
હાર્દિક અને અર્શદીપની IPL સેલરી કેટલી?
હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ બંને IPLના મહત્વના ખેલાડીઓ છે. IPL 2026 માટે મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને રૂ. 16.35 કરોડમાં રિટેન કર્યો હતો. બીજી તરફ પંજાબ કિંગ્સે અર્શદીપ સિંહને રૂ. 18 કરોડમાં પોતાની સાથે જાળવી રાખ્યો હતો.
IPL 2027 પહેલાં ટ્રેડ માર્કેટમાં ગરમાવો
IPL 2027ની હરાજી પહેલાં ફ્રેન્ચાઇઝીઓ પોતાની ટીમને મજબૂત બનાવવા માટે ખેલાડીઓના ટ્રેડ અંગે વિચારણા કરી રહી છે. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, માર્કસ સ્ટોઇનિસ અને મોહસિન ખાન જેવા ખેલાડીઓનાં નામ ચર્ચામાં આવતાં IPLના ચાહકોમાં ઉત્સુકતા વધી છે.હાલમાં આ તમામ ટ્રેડ ડીલ અંગે અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. સત્તાવાર જાહેરાત થયા બાદ જ સ્પષ્ટ થશે કે હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ છોડીને પંજાબ કિંગ્સમાં જોડાશે કે નહીં.
આ પણ વાંચો - Rising Star Asia Cup 2026 : 22 નવેમ્બરે પાકિસ્તાન સામે ટક્કર, તિલક વર્માની કેપ્ટનશિપમાં ઉતરશે ભારત