આઈપીએલ 2027ની મેગા ઓક્શન અને આગામી સિઝનની તૈયારીઓ વચ્ચે દિલ્હી કેપિટલ્સ કેમ્પમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. વિશ્વના સૌથી ઘાતક ડાબોડી ફાસ્ટ બોલરોમાંના એક મિચેલ સ્ટાર્ક આગામી સિઝનમાં આઈપીએલ રમશે કે નહીં તે અંગે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. સ્ટાર્કે આગામી એડિશન માટે પોતાની ઉપલબ્ધતા અંગે હજુ સુધી ગ્રીન સિગ્નલ આપ્યું નથી, જેનાથી દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટની ચિંતામાં મોટો વધારો થયો છે.

ઑસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ હંમેશા સ્ટાર્કની પ્રથમ પસંદગી

મિચેલ સ્ટાર્ક પોતાની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ઘણી વખત સાબિત કરી ચૂક્યા છે કે તેમના માટે દેશની જર્સી અને ટેસ્ટ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ કરતાં વધુ મહત્વના છે. આ જ કારણ હતું કે વર્ષ 2016 થી 2023 સુધી તેઓ સતત આઈપીએલથી દૂર રહ્યા હતા જેથી વર્કલોડ મેનેજમેન્ટ, માનસિક તાજગી અને પરિવારને સમય આપી શકાય.વર્ષ 2024માં તેમણે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર પુનરાગમન કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા હતા. પરંતુ હવે 2027માં દિલ્હીની ટીમ સાથે તેમનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે.

એશિઝ સિરીઝ બની શકે છે મહત્ત્વનું કારણ

ઓસ્ટ્રેલિયાને 2027માં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની એશિઝ સિરીઝ રમવાની છે. આ સિરીઝ 18 જૂનથી ટ્રેન્ટ બ્રિજ ખાતે શરૂ થવાની છે. ત્યારબાદ લોર્ડ્સ, એજબેસ્ટન, સાઉથમ્પ્ટન અને ધ ઓવલમાં મુકાબલા રમાશે.આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની ફાઇનલમાં પહોંચે તો તેના ખેલાડીઓનું સમયપત્રક વધુ વ્યસ્ત બની શકે છે. આ ફાઇનલ 9થી 13 જૂન દરમિયાન ધ ઓવલ ખાતે નિર્ધારિત છે.IPL સામાન્ય રીતે ઇંગ્લેન્ડની ટેસ્ટ સિઝન પહેલાં યોજાય છે. તેથી એશિઝ સિરીઝના કારણે સ્ટાર્ક IPLમાંથી બહાર રહેશે જ એવું કહી શકાય નહીં. જોકે, લાંબી ટેસ્ટ સિરીઝ પહેલાં પોતાની ફિટનેસ જાળવવા અને આરામ મેળવવા માટે તેઓ IPLમાં રમવાનું ટાળી શકે છે.

https://x.com/mufaddal_vohra/status/2110674600682213664?s=20


દિલ્હી કેપિટલ્સ માટે કેમ વધ્યું ટેન્શન?

પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં મિચેલ સ્ટાર્ક જેવા અનુભવી બોલરનો વિકલ્પ શોધવો કોઈપણ ટીમ માટે અશક્ય સમાન છે. જો સ્ટાર્ક છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચે છે, તો દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફે હરાજીમાં બેકઅપ વિદેશી ફાસ્ટ બોલર માટે મોટો પ્લાન બનાવવો પડશે. દિલ્હીના ચાહકો અને ટીમ હાલમાં સ્ટાર્કના સત્તાવાર નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

IPLમાં સ્ટાર્કનો શાનદાર રેકોર્ડ

મિચેલ સ્ટાર્કે IPLમાં અત્યાર સુધી 58 મેચમાં 76 વિકેટ ઝડપી છે. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 35 રન આપીને 5 વિકેટ લેવાનું રહ્યું છે.2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતાં તેમણે 14 મેચમાં 17 વિકેટ લીધી હતી. 2025માં દિલ્હી કેપિટલ્સ માટે તેમણે 11 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. IPL 2026માં પણ તેમણે દિલ્હી તરફથી 6 મેચમાં 11 વિકેટ મેળવી હતી. આ સિઝનમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 40 રન આપીને 4 વિકેટ લેવાનું રહ્યું હતું.અહેવાલો અનુસાર, IPLમાંથી સ્ટાર્કની કુલ કમાણી 77.65 કરોડ રૂપિયા રહી છે. તેમાં IPL 2026ની સિઝન માટે મળેલા 11.75 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Tri-Series: શ્રીલંકાને મોટો ઝટકો, સ્ટાર ઓપનર ટ્રાઇ-સિરીઝમાંથી બહાર!