IPL 2027 મિની હરાજી પહેલાં પ્રીતિ ઝિંટાની પંજાબ કિંગ્સ (PBKS) પોતાની ટીમમાં મોટો ફેરબદલ કરવા જઈ રહી છે. ગત સિઝનમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ શાનદાર શરૂઆત છતાં પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયેલી પંજાબ ફ્રેન્ચાઈઝી હવે મોટું પર્સ બજેટ તૈયાર કરવાના મૂડમાં છે. અહેવાલો અનુસાર, ટીમ મેનેજમેન્ટ આગામી સિઝન માટે નવા ખેલાડીઓ ખરીદવા માટે 5 ફ્લોપ સાબિત થયેલા સ્ટાર્સને રેલીઝ કરી શકે છે.

મેનેજમેન્ટ નવા ખેલાડીઓ માંટે તૈયાર 

ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટા અને મેનેજમેન્ટ નવા ખેલાડીઓ માટે હરાજીમાં મોટું બજેટ તૈયાર કરવા માગે છે. આ માટે કેટલાક નિષ્ફળ ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, પંજાબ કિંગ્સ 5 ખેલાડીઓને રિલીઝ કરવા અંગે વિચારણા કરી શકે છે. જોકે, આ અંગે ફ્રેન્ચાઇઝી તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

માર્કસ સ્ટોઇનિસ

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ પર પંજાબ કિંગ્સે 11 કરોડ રૂપિયાનો મોટો દાવ લગાવ્યો હતો. જોકે, તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. 26 મેચમાં તેના નામે માત્ર 376 રન અને 3 વિકેટ છે.ટીમમાં અઝમતુલ્લાહ ઓમરઝાઈના રૂપમાં તેના જેવો જ સારો ઓલરાઉન્ડર વિકલ્પ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં સ્ટોઇનિસને રિલીઝ કરીને પંજાબ હરાજી માટે પોતાનું બજેટ વધારી શકે છે.

નેહલ વઢેરા

પંજાબ કિંગ્સે નેહલ વઢેરાને 4.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, IPL 2026માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. તેને 8 મેચમાં રમવાની તક મળી હતી, પરંતુ તે માત્ર 65 રન જ બનાવી શક્યો હતો.સતત નબળા પ્રદર્શનને કારણે તેને પ્લેઇંગ-11માંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. હવે આગામી સિઝન પહેલાં પંજાબ તેને રિલીઝ કરવાનો નિર્ણય લઈ શકે છે.

લોકી ફર્ગ્યુસન

ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન પણ પંજાબ કિંગ્સની ટીમમાંથી બહાર થઈ શકે છે. ઈજાઓ અને અંગત કારણોને લીધે તે છેલ્લી 2 સિઝનમાં પંજાબ માટે માત્ર 7 મેચ રમી શક્યો હતો.આ મેચોમાં તેણે માત્ર 6 વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ પણ ઘણો ઊંચો રહ્યો હતો. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ પોતાના બોલિંગ વિભાગમાં ફેરફાર કરીને તેના સ્થાને નવા વિદેશી ઝડપી બોલરને તક આપી શકે છે.

https://www.instagram.com/p/DfHGLzcxRlM/?utm_source=ig_web_copy_link&cplk=NTc4MTIwNjQ2YQ==

મુશીર ખાન

ભારતીય યુવા બેટ્સમેન મુશીર ખાનને પંજાબ કિંગ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, છેલ્લી 2 સિઝનમાં તેને ટીમ તરફથી માત્ર 1 મેચ રમવાની તક મળી છે.લાંબા સમય સુધી બેન્ચ પર રહેવાને બદલે મુશીર ખાનને અન્ય ટીમમાં વધુ તક મળી શકે છે. આવી સ્થિતિમાં તે પણ હરાજીમાં પોતાનું નસીબ અજમાવવા ઇચ્છી શકે છે. પંજાબ કિંગ્સ પણ તેને રિલીઝ કરવાનું વિચારી શકે છે.

બેન ડ્વારશુઇસ

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર બેન ડ્વારશુઇસને પંજાબ કિંગ્સે 4.40 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, IPL 2026માં તેને માત્ર 1 મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે 1 વિકેટ ઝડપી હતી.માર્કો યાનસન અને ઝેવિયર બાર્ટલેટ જેવા વિદેશી ઝડપી બોલરોની હાજરીને કારણે ડ્વારશુઇસ માટે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની શકે છે. તેથી પંજાબ તેને રિલીઝ કરીને હરાજી માટે પોતાનું બજેટ વધારી શકે છે.

https://www.instagram.com/p/De9X4QMDkDs/?utm_source=ig_web_copy_link&obrf=NTc4MTIwNjQ2YQ==

હરાજી પહેલાં પંજાબ કિંગ્સમાં મોટા ફેરફારની શક્યતા

IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સ પોતાની ટીમનું નવું સંયોજન તૈયાર કરવા માગે છે. જો આ 5 ખેલાડીઓને રિલીઝ કરવામાં આવે તો ટીમ પાસે હરાજીમાં નવા ખેલાડીઓ ખરીદવા માટે વધુ નાણાં ઉપલબ્ધ થઈ શકે છે. જોકે, અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝીના સત્તાવાર રિટેન્શન અને રિલીઝ લિસ્ટ બાદ જ સ્પષ્ટ થશે. હવે જોવાનું એ રહેશે કે પ્રીતિ ઝિંટાની ટીમ આગામી સિઝન માટે કયા ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખે છે અને કોને બહારનો રસ્તો બતાવે છે.

આ પણ વાંચો - IND A vs NZ A 2nd Test : 4 કલાકમાં પલટાઈ મેચની બાજી! જુરેલની સદી અને આકાશ દીપનો ઐતિહાસિક કમાલ