IPL 2027ના મિની ઓક્શન પહેલાં ક્રિકેટ જગતમાં ખેલાડીઓના રિટેન્શન અને રિલીઝને લઈને ચર્ચા તેજ બની છે. 17 નવેમ્બરે તમામ ફ્રેન્ચાઇઝીઓ પોતાની રિટેન્શન લિસ્ટ જાહેર કરશે. આ વખતે કેટલીક ટીમો મોટા ખેલાડીઓને પણ રિલીઝ કરીને હરાજી માટે પોતાનું પર્સ વધારવાનો નિર્ણય લઈ શકે છે. ખાસ વાત એ છે કે 10 કરોડ રૂપિયાથી વધુ કિંમત ધરાવતા પાંચ ખેલાડીઓ પર રિલીઝ થવાનું જોખમ છે. આ યાદીમાં KKRના કેમરૂન ગ્રીનથી લઈને મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેન્ટ બોલ્ટ અને RCBના જીતેશ શર્મા સુધીનાં નામ સામેલ છે.

25 કરોડનો ખેલાડી કેમરૂન ગ્રીન પણ થઈ શકે છે રિલીઝ

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026ના ઓક્શનમાં કેમરૂન ગ્રીનને 25.2 કરોડ રૂપિયાની મોટી કિંમતમાં ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇઝીને તેની પાસેથી મેચ વિનિંગ પ્રદર્શનની આશા હતી. જોકે, તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહોતો.ગ્રીને 14 મેચમાં 322 રન બનાવવાની સાથે 7 વિકેટ પણ ઝડપી હતી. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને KKR તેને રિલીઝ કરીને ઓક્શનમાં વધુ મજબૂત ખેલાડીઓ ખરીદવાનું વિચારી શકે છે.

Cameron Green KKR

ટ્રેન્ટ બોલ્ટનું IPL કરિયર જોખમમાં?

ન્યૂઝીલેન્ડનો અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ IPLમાં પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. જોકે, IPL 2026માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.બોલ્ટે આખી સિઝનમાં માત્ર 2 વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ 11.62 રહ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ તેને રિલીઝ કરીને બોલિંગ વિભાગમાં નવા વિકલ્પો શોધી શકે છે.

Trent Boult Mumbai Indians

CSKના 14.20 કરોડના પ્રશાંત વીર પર પણ જોખમ

ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાના ટ્રેડ બાદ તેની જગ્યા ભરવા માટે પ્રશાંત વીર પર મોટો દાવ લગાવ્યો હતો. ટીમે તેને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.જોકે, તેને બોલિંગમાં વધારે તક મળી નહોતી. બીજી તરફ બેટિંગમાં પણ તે ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે 5 ઇનિંગ્સમાં માત્ર 90 રન બનાવ્યા હતા. આથી CSK આગામી સિઝન પહેલાં તેના ભવિષ્ય અંગે વિચાર કરી શકે છે.

Prashant Veer CSK


માર્કસ સ્ટોઇનિસની પંજાબમાંથી થઈ શકે છે વિદાય

ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ પણ IPL 2027 પહેલાં રિલીઝ થઈ શકે છે. પંજાબ કિંગ્સ પાસે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે માર્કો યાનસેનનો વિકલ્પ પણ છે.હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં આગમન બાદ ટીમ પાસે ઓલરાઉન્ડરોના અનેક વિકલ્પો થઈ શકે છે. આવી સ્થિતિમાં પ્લેઇંગ ઇલેવનમાં તમામ ખેલાડીઓને સ્થાન આપવું મુશ્કેલ બની શકે છે. આથી સ્ટોઇનિસની ટીમમાંથી વિદાયની શક્યતા ચર્ચાઈ રહી છે.


Marcus Stoinis Punjab Kings

જીતેશ શર્મા પર RCB લઈ શકે છે મોટો નિર્ણય

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માનું નામ પણ સંભવિત રિલીઝ લિસ્ટમાં ચર્ચાઈ રહ્યું છે. RCBએ તેને 11 કરોડ રૂપિયાની કિંમતમાં પોતાની ટીમમાં જાળવી રાખ્યો છે.જોકે, છેલ્લા બે સિઝનમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. જીતેશે છેલ્લા બે સિઝનમાં 31 મેચ રમીને માત્ર 377 રન બનાવ્યા છે. આથી RCB મેનેજમેન્ટ તેની જગ્યાએ કોઈ નવા વિકેટકીપર બેટ્સમેનને તક આપવાનું વિચારી શકે છે.


Jitesh Sharma RCB

17 નવેમ્બરે તમામ સસ્પેન્સ પરથી ઊઠશે પડદો

IPL 2027ના મિની ઓક્શન પહેલાં 17 નવેમ્બરે તમામ ટીમોની રિટેન્શન લિસ્ટ જાહેર થવાની છે. ત્યારબાદ કયા ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે અને કોને રિલીઝ કરવામાં આવ્યા છે તે સ્પષ્ટ થઈ જશે.હાલમાં કેમરૂન ગ્રીન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રશાંત વીર, માર્કસ સ્ટોઇનિસ અને જીતેશ શર્માનાં નામ સંભવિત રિલીઝની ચર્ચામાં છે. જોકે, આ પાંચેય ખેલાડીઓની વિદાય અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

આ પણ વાંચો - IND vs NZ : વેલિંગ્ટનમાં ટીમ ઈન્ડિયાની અગ્નિપરીક્ષા! પિચ પર 15mm ઘાસથી વધ્યું ટેન્શન